Mysamachar.in-
જામનગરમાં અકસ્માતનો એક અતિ ગંભીર બનાવ તાજેતરમાં નોંધાયો, જેની કહાની અત્યંત કરૂણ છે.! અકસ્માતનો ભોગ બનનાર મહિલાએ સંતાન ઝંખના માટે પંદર-પંદર વર્ષ સુધી આકરી તપસ્યા કરી, પાણા એટલાં પીર કર્યા અને આ પરિવારે નિદાનો અને સારવાર માટે ખૂબ ખર્ચ કર્યો…. પછી, બાળક અવતર્યું. પરંતુ ઘરમાં અને માતાની ગોદમાં ખુશીઓ ભરી દેનાર આ હતભાગી બાળકે માત્ર સાડા પાંચ વર્ષની ઉંમરે માં ગુમાવી દેતાં સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે !!
આ કરૂણ અને ગંભીર અકસ્માતની વિગતો એવી છે કે, જામનગરનાં ભોય સમાજનાં એક શિક્ષિકા પોતાનાં પુત્રને ટયૂશન ક્લાસમાંથી ઘરે લાવવા સ્કૂટી પેપ લઈ કલાસ તરફ જતાં હતાં ત્યારે, સુભાષ બ્રિજ નજીક એક ધસમસતી કારે આ મહિલાનાં વાહનને પાછળથી ખોફનાક ટક્કર લગાવી ! જેને કારણે આ મહિલા ધમધમતાં માર્ગ પર, પાંચથી છ ફૂટ ઉછળીને પટકાયાં અને સમગ્ર બ્રિજ વિસ્તારમાં ભારે અરેરાટી પથરાઈ ગઈ. આ કારચાલકે મહિલાને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવાનું સૌજન્ય દેખાડવાને બદલે પોતાની કાર મારી મૂકી ! અકસ્માત સર્જનાર પલાયન થઇ ગયો ! લોકોએ 108 ની મદદથી આ ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલમાં મહિલાની સારવારને 45-50 મિનિટ વીતી ગઈ ત્યાં સુધી, ટ્રોમા સેન્ટર નજીકની પોલીસચોકીમાંથી કોઈ પોલીસકર્મીએ આ ગંભીર અકસ્માતની ખબર સુદ્ધાં ન કાઢી ! મેડિકો લીગલ કાર્યવાહી (જે ફરજિયાત હોય છે) પણ શરૂ ન કરી ! એમ આ મહિલાનાં કમનસીબ પતિએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
આ ખોફનાક અકસ્માતમાં આ મહિલા એટલાં ગંભીર રીતે ઘવાયાં છે કે, બ્રેઈન હેમરેજને કારણે તેઓ બ્રેઈનડેડ (કોમા) સ્થિતિમાં સરી ગયાં છે ! ટયૂશન ક્લાસમાં રહેલો બાળક માતાનો ઈંતજાર કરતો રહ્યો ! ઓહ કુદરત. આ આખી કહાનીની એક કરૂણ બાબત એ પણ છે કે, PhD ની પદવી ધરાવતાં તૃષાબેન નામનાં આ શિક્ષિકા અને એક ખાનગી બેંકમાં સર્વિસ કરતાં તેમનાં પતિ શૈલેષભાઈ મહેતાએ પંદર-પંદર વર્ષ સંતાન પ્રાપ્તિની ઝંખનામાં આકરી રીતે વિતાવ્યા પછી જન્મેલાં આ બાળકે આજે માત્ર સાડા પાંચ વર્ષની ઉંમરે વ્હાલી માં ગુમાવી દીધી છે ! મહેતા પરિવાર પર આભ તુટી પડ્યું છે ! આ બ્રેઈન ડેડ મહિલાનાં અંગોના દાન માટે હોસ્પિટલ સત્તાવાળાઓ તૈયારી કરી રહ્યા છે. મહેતા પરિવારે અંગદાન માટે સહમતી આપી દીધી છે.
આ અકસ્માત પછીની કાયદેસરની કાર્યવાહી યોગ્ય રીતે અને ઝડપથી થતી ન હોવાનું અનુભવી રહેલાં ભોય સમાજનાં અગ્રણીઓએ આ મુદ્દે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. પૂર્વ મેયર હસમુખ જેઠવા સહિતનાં આગેવાનોએ આપેલાં આવેદનપત્રમાં જણાવાયું છે કે, GJ-10-BR-4561 નંબરની મારૂતિ સિયાઝ કારનો ચાલક આ અકસ્માત સર્જી નાસી છૂટયો છે. તેને તાકીદે શોધી કાઢી તેનાં વિરુદ્ધ કડક, દાખલારૂપ કાર્યવાહી તટસ્થ રીતે થાય એવી સમગ્ર સમાજની લાગણી છે. આ કમભાગી મહિલા જે સ્કૂટી પર જઈ રહ્યા હતા તે વાહનનો નંબર GJ-10-CS-6333 આવેદનપત્રમાં જણાવાયો છે.
મહિલાનાં પતિ શૈલેષભાઈ મહેતા આ કરૂણ ઘટનાને કારણે વજ્રઘાત અનુભવી રહ્યા છે. અને, ભવિષ્યમાં આવી કોઈ ઘટનામાં કોઈ કસૂરવાર બચી ન જાય તે માટે આ પ્રકરણમાં કસૂરવારને દાખલારૂપ સજા મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે અને સમગ્ર સમાજને આ દિશામાં ભારે હ્રદયે જરૂરી સહયોગ આપી રહ્યા છે. તેઓ આટલી કરૂણ ઘટના પછી પણ હિંમતવાન પૂરવાર થઈ રહ્યા છે અને તેમનાં સહિત સમગ્ર મહેતા પરિવાર હાલ તૃષાબેન માટે પ્રભુપ્રાર્થના કરી રહ્યા છે.
-ધડારૂપ કાર્યવાહી ઇચ્છનીય અને ફરજિયાત
આપણો સૌનો અનુભવ એવો રહ્યો છે કે, ગંભીર અને જીવલેણ અકસ્માતોનાં કેસોમાં પણ પોલીસ તંત્રની કામગીરી અને કાર્યવાહીઓ ભાગ્યે જ ક્યારેક નોંધપાત્ર અને પ્રશંસનીય રહેતી હોય છે ! આપણે સૌ ઇચ્છીએ કે આ પ્રકરણમાં અને હવે પછીનાં આવાં કેસોમાં તંત્રો માનવીય અને સંવેદનશીલ ભૂમિકા નિભાવે.