Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા આવકનાં સ્ત્રોત વિકસાવવામાં કાયમ નબળી પૂરવાર થતી આવી છે. આ ઉપરાંત વેરાઓ વસૂલાતની કામગીરી અને કાર્યવાહી પણ લંગડાતી ચાલતી રહેતી હોય, જામ્યુકો અવારનવાર પગાર કરવાનાં પણ સાંસા અનુભવતી હોય છે. જામ્યુકો ખાલી તિજોરી ભરવા થોડાં થોડાં સમયે શહેરમાં પોતાના હસ્તકની લગડી જમીનો લાગતાં વળગતાઓને વેચવા મજબૂરી અનુભવે છે જેને પરિણામે શહેરમાં કોર્પોરેશન હસ્તકની જમીનોની સંખ્યા અને કુલ ક્ષેત્રફળ ઘટી રહ્યા છે. દિવસે દિવસે કોર્પોરેશન વધુ નાણાંખેંચ અનુભવી રહ્યું હોય, કિંમતી જમીનો પધરાવી ગુજારો કરી રહી છે.
કાલે શુક્રવારે જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વધુ એક જમીન વેચી રૂ. સવા ચાર કરોડની આવક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જમીન પોલીસ હેડ કવાર્ટર પાછળનાં, એક જાણીતી સ્કૂલવાળા ધમધમતાં રોડ પર પ્રાઈમ લોકેશન હોવાનું જાણવા મળ્યું છે. આ રોડ પર ઘણાં વૈભવી બંગલાઓ પણ છે. સ્ટેન્ડિંગ કમિટીની શુક્રવારની બેઠકમાં એજન્ડા આઈટમ નંબર 9 માં જણાવ્યા પ્રમાણે, કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નંબર 1 નાં અંતિમ ખંડ નંબર 97 પૈકીની 929.03 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન રૂ. 426 લાખમાં શહેરની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની સંસ્થા ICAI ને વેચાણથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 1,000 ચો.મી. જેવડો આ પ્લોટ શહેરના પ્રાઈમ લોકેશન પૈકીનો એક હોવાનું સૌ જાણે છે. અત્રે નોંધનીય છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની આ સંસ્થાની હાલની ઓફિસ પણ આ જ વિસ્તારમાં છે. જેથી તેઓને આ જમીન ખૂબ જ બંધબેસતી જગ્યા છે.