Mysamchar.in-જામનગર:
જામનગરના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શરીરી સંબંધી ગુન્હાઓનું પ્રમાણ વધેલ છે. અને શહેર વિસ્તારમાં અમુક જગ્યાએ આવારા તત્વો ચા-નાસ્તો કરવાના બહાને ભેગા થઇ પોતાના બાઈક પર ઉપર પગ જમાવી મોટા અવાજે દેકારો કરતા હોય અને સામાન્ય લોકોમાં તેઓનો ભય ફેલાવી અને સીનસપાટા કરતા હોય છે, અને થોડા સમયમાં આવા આવારા તત્વો દ્રારા દાદાગીરી કરવાના ગુન્હાઓ બનેલ હોવાનુ સામે આવેલ છે. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર શહેર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એક કડક એક્શન પ્લાન ઘડી કાઢી અને લૂખા અને આવારાગીરી કરતા તત્વોને હવે પોલીસ બરોબરનો સબક શીખવાડી અને ગુન્હાખોરી કઈ રીતે નાબુદ થાય તે દિશામાં ગઈકાલથી અસરકારક કામગીરી શરુ કરવામાં આવી છે,
જામનગર પોલીસ વિભાગના શહેર ડીવીઝન વિસ્તારમાં શાંતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી સીટી એ, બી” સી” પોલીસ મથકના ડિ-સ્ટાફ પીએસઆઈ તથા ડિ-સ્ટાફના ત્રણ કર્મચારીઓને તેમના પોલીસ મથકના વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમો ચેક કરવા, મોટા અવાજે કારમાં ટેપ વગાડતા હોય, નંબર પ્લેટ વગર ફેન્સી નંબર પ્લેટ- કાળા કાચ, વિગેરે વાહનો રોકી વાહનના દસ્તાવેજ ચકાસી ડીટેઇન કરવા, શહેર વિસ્તારમાં બાઇક રેસીંગ કરતા ઇસમો તથા ઓવર સ્પીડથી બાઇક ચલાવતા ઇસમો વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવી, જાહેર સ્થળોએ બાઇક ઉપર ચડી અડીંગો જમાવી બેસી રહેલ આવારા ઇસમો ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની ગઈકાલથી શરૂઆત કરી દેવામાં આવી છે,
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં આ કાર્યવાહી હજુ વધુ કડક રીતે અમલી બનશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે, ગઈકાલે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં એટલે કે સીટી એ ડીવીઝન વિસ્તારમાં પોલીસે 12 વાહનો ડીટેઈન અને 5 વાહનો પાસેથી દંડની વસુલાત કરી છે, બી ડીવીઝન પોલીસે 5 વાહનો ડીટેઈન કરી 5 પાસેથી દંડની વસુલાત કરી છે, તો સી ડીવીઝન પોલીસે 3 વાહનો ડીટેઈન કર્યા હોવાનું સામે આવ્યું છે.