Mysamachar.in-જામનગર
જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જનઔષધિ દિવસ-2021ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીથી દેશના વિવિધ વિસ્તારના જનઔષધિ કેન્દ્રના સંચાલકો અને લાભાર્થીઓ સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જનઔષધિ દિવસની થીમ ‘સેવા ભી ઓર રોજગાર ભી’ અંતર્ગત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી ચાલતી આ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં લોકોને જીવન જરૂરી દવાઓ ખૂબ ઓછી કિંમતે મળી રહી છે. મધ્યમ વર્ગને, ગરીબોને દવાઓ માટે ક્યારેય આર્થિક તકલીફો વેઠવી ન પડે તે માટે આ પરિયોજના હેઠળ હજુ પણ આગામી દિવસોમાં અનેક જન ઔષધિ કેન્દ્ર ખોલી જનસેવાનું કાર્ય કરવામાં આવશે. સાથે જ આ કેંદ્રો થકી અનેક નવી રોજગાર તકો ઉત્પન્ન થઇ છે.
જામનગર ખાતે પૂનમબેન માડમ દ્વારા નવા જનઔષધી કેન્દ્રને જનસેવા કેન્દ્ર તરીકે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે સાંસદએ કહ્યું હતું કે, જે લોકોને રોજબરોજની દવાઓની આવશ્યકતા છે, તેમના આરોગ્યની દરકાર લઈ તેમને ઓછી કિંમતે દવાઓ મળી રહે અને આરોગ્યલક્ષી કોઈ સમાધાન આર્થિક તકલીફોના કારણે ન કરવું પડે તે ધ્યાને લઇ પ્રધાનમંત્રીએ જન ઔષધી કેન્દ્રના નિર્માણ થકી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને સાર્થક કર્યો છે.
પ્રધાનમંત્રીએ પરિવારના વડીલની જેમ દીકરીઓની કાળજી લીધી છે. ફીમેલ હાઇજીન હોય કે ઘરે ઘરે શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય દરેક સમયે મહત્વના નિર્ણય લઇ તેમણે સ્ત્રી સ્વાસ્થ્યની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂતીથી આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે આ અભિયાનમાં મહિલાઓને સશક્ત કરવા માટે પરિવારો પણ સંકલ્પ કરે અને વધુ જાગૃત થાય એવી અભ્યર્થના સાંસદએ વ્યક્ત કરી હતી. સાથે જ જેનેરિક મેડિસિન વિશે વધુ જાગૃતિ લાવી સાચા અર્થમાં જન ઔષધી કેન્દ્રને જન જન સાથે જોડવા માટેના પ્રયત્નો કરવા અને સ્વસ્થ જામનગર બનાવવા સાંસદએ અપીલ કરી હતી.