Mysamachar.in-જામનગર
જામનગરમાં આજે સવારે ગમખ્વાર અકસ્માતની એક ઘટના સામે આવી છે, જામનગર ખંભાળિયા હાઈવે પર મોડપર ખટિયા પાટીયા નજીકથી પસાર થઇ રહેલ એક અલ્ટો કાર નદીમાં ખાબકતા 2 મહિલાના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, જયારે અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને મેઘપર પીએસઆઈ ડી.એસ.વાઢેર સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત મામલે મેઘપર પી.એસ.આઈ. ડી.એસ.વાઢેરના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નવાગામ રણજીતપર ગામે વસવાટ કરતા નારણભાઈ પરબતભાઈ કરંગીયા તેમના પત્ની જશુબેન અને પોતાના 15 વર્ષીય પુત્ર સાથે અલ્ટો કારમાં જામનગરમાં આવવા માટે નીકળ્યા હતા, અને આસોટા ગામેથી તેમના સાળા હેમત રણમલ ચાવડા અને તેમના પત્ની બાબીબેન ને લઈને જામનગર ખાતે દેશુરભાઈ કરંગીયાને ત્યાં વાસ્તુપ્રસંગે આવતા હોય દરમિયાન મોડપર પાટિયા નજીક બ્રીજ પાસે પહોચતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અલ્ટો કાર બ્રીજ પરથી ટપીને 40 ફૂટ નીચે પડી હતી, જેમાં કારમાં સવાર બન્ને મહિલાઓ જશુબેન અને બાબીબેનના સ્થળ પર જ મોત થયા છે, જયારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોની જીજી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.