Mysamachar.in-જામનગર
રાષ્ટ્રના 74માં સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લાકક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ કરવામાં આવી હતી. ધ્વલજવંદનને સલામી કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ આપી હતી.તેમની સાથે જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્લાન પોલીસ વડા શ્વેતા શ્રીમાળીએ પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટએનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યુ હોય ત્યારે ગુજરાતમાં આ મહામારી સામે લડતા ધનવંતરી રથોની કામગીરીને WHOએ પણ બિરદાવી છે. આ સાથે જન-જનને લાભાર્થે રાજ્ય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીએ રજુ કરી હતી.આ પ્રસંગે કોરોના લડતમાં સતત નિષ્ઠાપૂર્ણ સેવા આપનાર કોરોના વોરિયર્સને મંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.
તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. ખાસ તો જામનગરના જી.જી.હોસ્પિટલના કોરોનાના નોડલ ડૉક્ટર એસ.એસ.ચેટરજી, ડો. બી.આઇ.ગોસ્વામી જે બન્ને કોરોનાના દર્દીઓ ઝડપભેર કોરોનાને મહાત આપી અને સ્વસ્થ થઇ હોસ્પીટલની બહાર જાય તેના માટે રાત દિવસ એક કરી રહ્યા છે તે તથા અન્ય ડોકટરો, નર્સિસ, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્યકર્મીઓ, લોકોની સુરક્ષા માટે સતત ખડેપગે તૈનાત રહેલા પોલીસકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર અને કોવિડને માત આપી જીવનના જંગને જીતનાર 8 લોકોને આમ કુલ 48 કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.