Mysamachar.in-જામનગર
શહેરના મેહુલનગરમાં પ્રગતિ પાર્ક પાસે બાંધકામના સ્થળ પર રહેતા શ્રમિકની 12 વર્ષની પુત્રીએ ગતસાંજે રમતા રમતા કોઇ કારણોસર ફાંસો ખાઇ લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના મેહુલનગરના પ્રગતિ પાર્ક-3માં ખાનગી સ્કુલ પાસે઼ બાંધકામના સ્થળે ચોકીદાર તરીકે કામ કરતા નેપાળના વતની કમલભાઇ સોની નામના શ્રમિકની પુત્રી પુજાબેન (ઉવ.12)એ શુક્રવારે સાંજે રહેઠાણના સ્થળ પર ગળાફાંસો ખાઇ લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેની જાણ થતા 108ની ટીમ દોડી ગઇ હતી. જોકે,આ બાળા મૃત જણાઇ હતી. આ અંગે જાણ થતા સીટી સી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, મૃતદેહનો કબજો સંભાળીને પીએમ અર્થે ખસેડયો હતો. મૃતક તેની બહેનો સાથે રમતી હતી ત્યારે રમતા રમતા અકસ્માતે કોઇ કારણોસર આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર કરાયું છે.