Mysamachar.in-જામનગર:
કાગળ ઉપર જામનગર શહેરને જાહેર શૌચક્રિયા મુકતકક્ષામાં ડબલ પ્લસનો દરજજો મળ્યો છે, ત્યારે જુના ગામમા તો જુઓ જ્યા મેયરના વોર્ડ સહિત અનેક વિસ્તારોમા ખુલ્લી ગટરો ઉપર ગઢની રાંગ અને ઉચી દિવાલ તેમજ ગામની નજીક નદી તળાવ વગેરેના કાંઠે શું થાય છે? તેવા અનેક પ્રશ્ર્નો શહેરના સમાજ શાસ્રીઓએ ઉઠાવ્યા છે, જામનગર શહેરને વર્ષ 2017-18માં ખુલ્લામાં શૌચક્રિયા મુકત શહેર જાહેર કરવામાં આવ્યા બાદ હવે જામનગરને શૌચક્રિયા મુકત કેટેગરીમાં ડબલ પ્લસનો દરજ્જો મળતા આગામી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની સ્ટાર કેટેગરીમાં ભાગ લેવા માટે મહાનગરપાલિકા માટે દ્વાર ખુલ્લા થયા છે.
વર્ષ 2017-18માં જામનગર ને જાહેર શૌચક્રિયા મુકત શહેર જાહેર કરવામાં આવ્યા બાદ વર્ષ 2019ના સ્વચ્છતા સર્વેક્ષણ બાદ શહેરને ઓપન ડેફીકેશન ફ્રી પ્લસનો દરજ્જો મળ્યો હતો. તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત થયેલા નિરીક્ષણમાં સંખ્યાબંધ પાસાઓ ધ્યાને લઈને કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા કરવામાં આવેલા રીપોર્ટીંગ બાદ આજે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર શૌચક્રિયા મુકત શહેરોની જુદીજુદી કેટેગરીની બહાર પાડવામાં આવેલી યાદીમાં જામનગર મહાનગરપાલિકાને ઓડીએફ ડબલ પ્લસનો દરજ્જો મળ્યો હોવાની જાહેરાત મ્યુ.કમિશ્નર સતિષ પટેલ દ્વારા હોંશે હોંશે કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન ના જવાબદારો વહેલી સવારે અને સાંજે જુના ગામમા જશે તો ખબર પડશે કે વાસ્તવિકતા જુદી છે તેમ જાણકારો કહે છે.






