Mysamachar.in-જામનગરઃ
હવામાન ખાતાની આગાહી પ્રમાણે 13 તારીખ એટલે કે આજે વહેલી સવારથી જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. તો કચ્છ કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, ખાસ કરીને બનાસકાંઠામાં આકાશ વાદળમય થતાં ચોમાસા જેવો માહોલ થયો હતો. અહીં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગરમાં વહેલી સવારથી ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ દ્વારકામાં વરસાદી પવનને કારણે મહદઅંશે ઠંડીનો અનુભવ થયો હતો. જામનગરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, મહત્તમ 29.5 ડિગ્રી, ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 4.25 કિમી નોંધાઇ છે.
તો બીજી બાજુ વાતાવરણ પલટાની સૌથી માઠી અસર ખેડૂતોને થઇ રહી છે, ચોમાસું પાકમાં પાણી ફરી વળ્યા બાદ હવે રવિપાકમાં કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાની થઇ શકે છે. ખાસ કરીને જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. હવામાન ખાતાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ખેડૂતો બાદ પતંગરસિકો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે, હવામાન ખાતાની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાના લોકોની આ વખતની ઉત્તરાયણ બગડે તેવી પૂરી શક્યતા છે.