Mysamachar.in-જામનગરઃ
રાજકોટ કોર્પોરેશનમાં કામ કરતાં ગુટલીબાજ કર્મચારીઓમાં હાલ ભયનો માહોલ છે. અહીં છેલ્લા કેટલાક સમયથી માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે અને તે છે આજે તો મનપા કમિશનર સાહેબ સરપ્રાઇઝ ચેકિંગમાં તો નહીં આવે ને !. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે હાજરી મસ્ટર લઇને કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 45 જેટલા ગુટલીબાજ કર્મચારી ઝડપાઇ ગયા હતા. તો એક સપ્તાહ પહેલા પણ કમિશનર સાહેબે આ પ્રકારે જ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જેમાં 105 જેટલા કર્મચારીઓ મોડા આવતા ઝડપાઇ ગયા હતા. રાજકોટ કોર્પોરેશનના કમિશનર ઉદીત અગ્રવાલનું કહેવું છે કે મહાનગરપાલિકા સતત નાગરિકો સાથે સંકળાયેલી કચેરી છે અને તેમાં લોકોના કાર્ય સમયસર થતા રહે તે માટે સ્ટાફ સમયસર પોતાની ઓફિસમાં હાજર રહે તે જરૂરી છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બ્રેક ટાઇમ હોય છે, ખાસ કરીને બપોરની ઉંઘ માણવાની ટેવ હોય છે આથી શહેરમાં બપોરના સમયે બજારો અને રસ્તાઓ સૂમસામ બની જાય છે. જામનગરમાં પણ આ ટેવ જોવા મળે છે, ત્યારે પોતાની ઢીલી કામગીરી માટે જાણીતા જામનગર મહાનગરપાલિકા કચેરીમાં પણ જો કમિશનર દ્વારા આવું કોઇ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે અને મોટા પ્રમાણમાં ગુટલીબાજ કર્મચારીઓ ઝડપાઇ તો નવાઇ નહીં.!