Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર પાલિકા જ્યારે પણ કોઇ ગેરકાયદેસર બાંધકામ ડીમોલીશન માટે પગલા લેવાનું શરૂ કરે છે ત્યાર બાદ લાજ કાઢી લે છે માટે જાણકારોમાં ચર્ચા છે નોટીસો પાઠવીને ‘સુરક્ષા’ પ્રદાન કરવાની ખાસ સ્કીમ અમલમાં મુકતુ તંત્ર કઇ બાબતથી ‘દબાઈ’ જાય છે? તે સવાલ છે કેમ કે પદાધીકારીઓ અથવા તો જ્યાંથી કોર્પોરેશનનું સંચાલન થાય છે ત્યાંથી તો છુટ્ટોદોર છે કે જે પગલા લેવા છે તે લો,તેવુ સુત્રો એ આંતરિક પત્ર વ્યવહારો અને ખાનગી ચર્ચા પરથી જણાવ્યુ છે…
તેમ છતાં તંત્ર લાજ કાઢે છે તેમાં ઘણા સમીકરણો છે કે બાદમાં ‘ખાનગી’માં ‘રાજકીય’ ‘ભલામણ’ કામ કરી જાય છે તે પણ ચર્ચાતો મુદો છે જે બાંધકામ (રહેણાંક-કોમર્શીયલ તમામ) ગેરકાયદે છે અને તોડી પાડવા માટે 260-1 કે 260-2 ની નોટીસ પાઠવાઇ હોય તો તેવા 168થી વધુ બાંધકામ છે.(આ સંખ્યા વધતી જાય છે ઘટતી નથી તેમજ સંખ્યાબંધ પ્રકરણો ફાઇલ ઉપર ચાલે છે અને આખરી નોટીસ આપવાની છે તેમજ અમુક પ્રકરણો ટીપીઓ-એસ્ટેટ ના અમુક ચબરાકોએ ‘ઢાંકી’ને રાખ્યા છે જે સમગ્ર પણે ગે.કા. બાંધકામને રક્ષણ પુરૂ પાડે છે),
તાજેતરનું જ બહુચર્ચિત શરૂ સેકશન રોડ ઉપરના બાંધકામના પ્રકરણમાં એક વ્યકિતએ અરજી કરતા પ્રકરણ ઉજાગર થયુ હતું,ચાંદીબજારના 3 પ્રકરણ ઉજાગર થયા,પંચેશ્ર્વર ટાવરથી ટાઉન હોલ સુધીના ત્રણ બહુમાળીઓની તપાસ હજુ ફાઇલમાં જ દબાયેલી છે,રણજીત રોડ ઉપરની પ્રસિઘ્ધ લાયબ્રેરીના બાંધકામનું પ્રકરણ પુરૂ જ થતુ નથી,પંજાબ નેશનલ બેંક પાસે રીનોવેશનના નામે રેસીડન્ટમાંથી કોમર્શીયલ બની ગયુ,
પાર્ક કોલોનીમાં રોડ ટચ ગોલાઇનું બાંધકામ માર્જીન છોડયા વગર ‘નિયમીત’ થઇ ગયુ,ત્યાંથી ખુબ નજીક ‘ગળપણ’ની જાણીતી પેઢીએ નવુ કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવ્યુ તેમાં એક આખો માળ અનઅધીકૃત બન્યો તો પણ કમ્પ્લીશન મળી ગયુ,રણજીતનગર અને હુડકોમાં મુળ આકાર જ બદલી ગયો હોય તેવા અમુક બાંધકામો (જોકે તેમાં હાઉસીંગ બોર્ડ પણ સાથે ઝુકાવવુ જોઇએ),પટેલ કોલોની 1થી 9 વચ્ચેના ક્રીમ વિસ્તારમાં કોમર્શીયલો, રેસીડન્ટ મંજુરીમાં, વિકાસ ગૃહ રોડ ઉપરની અમુક દુકાનો,ત્રણબતી વિસ્તારના જાણીતા કોમર્શીયલ બાંધકામ,સુપ્રસિઘ્ધ નામધારી હોટલો દ્વારા દબાણ સહિત અસંખ્ય ઉદાહરણો લોકો પણ જાણે છે છતાં પગલા લેવાતા નથી અને દર વખતે માત્ર ‘ઝુંબેશ’નો ‘હાઉ’ દર્શાવી ફરીથી ‘કોઇ’ ‘પોતાનું’ સાજુ કરી લે છે.
રસ્તાના પથારાની જેમ જ ‘ગે.કા.બાંધકામ સુરક્ષા’ સમિતિ અમલમાં
રસ્તા ઉપરના પથારા-રેકડીઓ-કેબીનો માટે જેમ ખાસ ટુકડીઓ ‘સુરક્ષા’ પુરી પાડવા માટે કાર્યરત છે,મબલખ નાણા કમાય છે તેવી જ રીતે અનઅધીકૃત બાંધકામ જેને આખરી નોટીસ અપાઇ હોય અથવા આપવાની તૈયારી હોઇ તેમાંથી જેટલા ‘મંડાઇ’ શકે (જો સામે માથાના નીકળે તો વાત અલગ છે) તેવાઓ સાથે ‘સેટીંગ’ કરવા માટે અમુક જાગૃત (કહેવાતા) વ્યકિત,અમુક લહ્યા,અમુક કહેવાતા અગ્રણી,અમુક ‘માથા’,અમુક એસ્ટેટ કર્મચારી,અમુક ટીપીઓ કર્મચારી, અમુક રાજકીય ઓથવાળી વ્યકિતઓ વગેરે કેટેગરીની તેમજ અમુક વિગતો માંગતી રહેતી ટુકડીઓ વગેરેનું ગઠબંધન છે,એ આવા ગે.કા.બાંધકામ ધારકોને ‘સુરક્ષા’ માટે ‘રેટકાર્ડ’ લઇ ફરે છે.અને રેટકાર્ડ પ્રમાણે જરૂરી સુવિધાઓ પૂરી પાડતી હોવાનું પણ માનપાના જ સુત્રો કહે છે.