Mysamachar.in-જામનગર:
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ વિનોદરાય(કીલુભાઇ) વસંતના અવસાન બાદ તેઓની જામનગર જી.આઇ.ડી. ફેસ-૩ મા આવેલ પ્લોટ નં.૩૬૬૪ વાળી કરોડોની કિંમતવાળી ઔદ્યોગિક જમીન ઉપર સને ૨૦૧૨ માં આ કીલુભાઈ વસંતની વિધવા પત્ની વર્ષાબેન વસંતની સુવાંગ માલિકી-કબ્જા ભોગવટાની ખુલ્લી જમીન તેની જાણ બહાર તા.૦૬/૦૩/૨૦૧૨ ના રોજ અનરજીસ્ટર્ડ કબ્જા વગરના બોગસ વેચાણ કરારના આધારે જામનગરના ખુબ જ જાણીતા અને કોર્પોરેટ બેંકીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ રમણીકલાલ કેશવજી શાહ(આર.કે.શાહ) રૂ.૧,૩૩,૭૧,૯૦૦/- માં ખરીદ કરવા કરાર કરેલ.
જે કરારમાં ખરીદનાર તરીકે આર.કે.શાહ ની સહી તથા નામ અને વેંચનાર તરીકે વર્ષાબેન વિનોદરાય વસંતનું નામ પરંતુ કરારમાં “ઘર ના જ ઘાતકી” નીકળે તે પ્રકારે ગુજરનાર કીલુભાઇ વસંતના સગા ભત્રીજા એવા હેમલ મહેશભાઇ વસંતે સહી કરી આ બોગસ કરારના આધારે હેમલ વસંતે કટકે-કટકે રૂ.૫૫,૦૦,૦૦૦/- જેવડી રોકડ રકમ સ્વીકારેલ,
આ પ્રકારે બોગસ અને ફોર્જ સહી વાળા બોગસ કરારના આધારે આર.કે.શાહે આ જગ્યા બીજા ખોટા અને બોગસ કરાર થી કૃણાલ મહેશભાઇ બુસાને ગેરકાયદેસર રીતે વેચાણ કરેલ અને જામનગરની અલગ-અલગ સરકારી કચેરીઓમાં વર્ષાબેન વસંતની ખોટી સહીઑ કરી બોગસ દસ્તાવેજો ઊભા કરી અને ગેરકાયદેસર રીતે સરકારી તંત્રને અંધારામાં રાખી બાંધકામની મંજૂરી મેળવી લીધેલ.અને વર્ષાબેન પોતાની સારવાર અર્થે જામનગર થી બહાર રહેતા હોય તેનો આ તમામ આરોપીઓએ ગેરલાભ લઈ એકસંપ થઈ ગુનાહિત કાવતરું કરી વસંત પરિવારની કરોડો રૂપિયાની કીમતી મિલકત ઉપર બોગસ દસ્તાવેજના આધારે વ્યવહારો કરવા લાગેલા અને આ પ્લોટ ઉપર ગેરકાયદેસર બે માળનું બિલ્ડીંગ ઊભું કરી દીધેલ,
આ કેસની તમામ હકીકતની જાણ વર્ષાબેનને થતાં તેઓએ આરોપીઓના આ ગેરકાયદેસરના કૃત્ય અંગે ફરિયાદ કરેલ અને આ અરજી અન્વયે પોલીસ દ્વારા ગુન્હો નોંધવાને બદલે આરોપીને ક્લીન ચીટ આપી દીધેલ અને વર્ષાબેનને ન્યાય ન મળતા અંતે તેમણે ગુજરાત હાઇકોર્ટ ના દ્વાર ખખડાવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે કેસની ગંભીરતા જોતાં અને જામનગર સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાની રજૂઆતો ધ્યાને લેતા આ સમગ્ર કેસની તપાસ ગુજરાત CID ક્રાઇમને કરવા આદેશ કરેલ,
આ ગુન્હો દાખલ થતાં અને તપાસ આરંભતા આર.કે.શાહ તથા હેમલ વસંત દ્વારા જામનગરની અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ,અને કૃણાલ મહેશભાઇ બુસાની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરતાં તેઓ દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આ જામીન અરજી અન્વયે CID ક્રાઇમ દ્વારા તપાસ કરનાર અધિકારીએ આરોપી જામીન મુક્ત ન કરવા અર્થે સરકાર પક્ષે સોગંદનામા રજૂ કરાયેલ અને આ કામના મૂળ ફરિયાદી વર્ષાબેન કીલુભાઇ વસંતે પણ પોતાના વકીલ હેમલ ચોટાઈ તથા રાજેશભાઈ ગોસાઇ મારફત આ ત્રણેય જામીન અરજીનો વિરોધ કરેલ અને મૂળ ફરિયાદી તરફે ડીટેઇલ વાંધાઑ રજૂ કરેલ અને નામદાર વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરી અને જામીન અરજીનો સખત વિરોધ કરી જણાવેલ કે આ પ્રકારે વ્હાઇટ કોલર ક્રાઇમ કરી અને સમાજમાં બની બેસેલ મોટા માથાઑ અને પ્રતિષ્ઠિત અને સેવાભાવી દેખાવાનું નાટક કરતાં એક પ્રતિષ્ઠિત પરિવારની કરોડો રૂપિયાનો પ્રોપર્ટી બોગસ દસ્તાવેજો બનાવી ઓળવી જવાની પેરવી કરેલ છે,
આવા વ્યક્તિ ને જામીન આપવામાં આવ્યેથી સમાજમાં તેની ખુબજ ગંભીર અસર થશે અને માત્ર પૈસા અને પ્રતિષ્ઠાના જોરે ગુન્હામાથી છટકી જઈ શકાય છે તેવો ખોટો સંદેશ સમાજ મા જશે આ તમામ લંબાણ પૂર્વકની રજૂઆતો અને સરકારી વકીલ દ્વારા કરાયેલ દલીલ અને લાંબો સમય ચાલેલ કાનૂની લડત અને આ લડત અંગે સમગ્ર જામનગરની તથા મહાજન સમાજ તેમજ ઉદ્યોગકારો તથા પ્રેસમીડિયાની પણ સતત આ કાનૂની લડત પર નજર હતી અને આ તમામ હકીકતો બાદ જામનગરન એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી રમણીક કેશવજી શાહ(આર.કે.શાહ) તથા હેમલ વસંતની જામીન અરજી નામંજૂર કરેલ તથા કૃણાલ બુસા કે જે હાલ જામનગર જેલ હવાલે છે તેમની રેગ્યુલર જામીન અરજી પણ નામંજૂર કરતો હુકમ કરતાં જામનગરમાં ચકચાર મચી જવા પામેલ છે.આ ચકચારી કેસ માં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમન કે.ભંડેરી,મૂળ ફરિયાદી વર્ષાબેન કીલુભાઇ વસંત તરફથી જામનગરના હેમલ એચ.ચોટાઇ,રાજેશ ડી.ગોસાઇ તથા ભાવિન એચ.અનડકટ અને વી.એચ.બક્ષી રોકાયેલ હતા.