Mysamachar.in-જામનગર:
જામનગરના શહેરીજનોની એ કમનસીબી છે કે જ્યારે કુદરત મહેરબાન હોય,શહેરને પાણી પૂરું પાડતા જળાશયો ભરપૂર હોય ત્યારે પણ દૈનિક પાણી વિતરણ થતું નથી અને એકાતરા જ પાણી વિતરણ કરવામાં આવે છે,એવામાં ગત વર્ષ ચોમાસુ નબળું જતા શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ સુકાઈ જવાની તૈયારીમાં હતો,ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજનાનુ પાણી ઠાલવી અને શાસકો દ્વારા વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પણ આ ઉત્સાહ લાંબો સમય ટક્યો હોય તેવું લાગતું નથી.
આજે જામનગર મહાનગરપાલિકા ના વોટરવર્કસ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યુ છે કે રણમલ તળાવમાં પાણી નો જથ્થો નહિવત હોવાના કારણે તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભજળનું જળ નીચું જતું રહ્યું છે અને તળાવમાં પાણીનું લેવલ ઘટી જતાં તળાવમાં રહેલ જીવસૃષ્ટિનું પાણીના અભાવે મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહેલી છે,જેને ધ્યાને રાખીને હાલ શહેરમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે, તેમાં ૧૦ દિવસનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે,
તા.૨૩ મે થી ૧ જૂન સુધી શહેરમાં પાણી કાપ મૂકી રો-વોટરનો જથ્થો રણમલ તળાવમાં ઠાલવવાનું તંત્રએ નક્કી કરી લીધું છે,ત્યારે પાણીની તંગી વચ્ચે હાલ અઠવાડીયે જે ત્રણ વખત પાણી વિતરણ થાય છે તેને બદલે માત્ર બે વખત થશે, જેને લઈને શહેરના લોકોને પાણીની કિલ્લત ભોગવવાનો વારો આવશે,જીવશ્રુષ્ટિને બચાવવાનો નિર્ણય સરાહનીય કહી શકાય પણ તેના માટે કરવામાં આવેલ આયોજનમા પણ મનપા કાઈ કરી નથી શકી એટલે આ કાપ મુકવાનો વારો આવ્યો છે તે વાસ્તવિકતા છે.
જીવસૃષ્ટિને બચાવવાની વાત તો બોર કૂવા ક્યાં ગયા..?
સ્વાભાવિક છે કે તળાવમાં પાણીનું સ્તર ઘટે એટલે જળચર અને પક્ષી માટે જોખમ તો ઉભુ થાય છે,વધુમાં દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાવવા લાગે છે,અને એનો નજારો જતો રહે છે.આવી પરિસ્થિતિનું નિર્માણ ખાળવા ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બે મોટા બોર અને બીજા સામાન્ય ખાડાઓ બનાવાયેલા જેથી પંપથી તેમાંથી પાણી ખેંચી તળાવમા છોડાય અને સમગ્ર સપાટી પાણીથી તરબતર લાગે જેથી જળચર બચી જાય..પક્ષી આશ્રય થઇ જાય અને તળાવ જોવા જેવુ ફરવા જેવુ લાગે. ભલે બોરથી તળાવ સમગ્ર ન ભરાય તો પણ જાળવણી તો થાય તેવો હેતુ પણ હતો..પરંતુ એક બોર માટે એક લાખથી વધુ ખર્ચ થાય તેવા બોર બનાવ્યા મશીનરી પાઇપલાઇન વગેરેના બીજા ખર્ચા પાણીની જેમ થયા પરંતુ જાળવણીના અભાવે બોર બુરાઇ ગયા મશીનરી સગેવગે થઇ ગઇ હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. લાખો રૂપિયા પાણીમા ગયા એ બોર તો જડે તેમ જ નથી..