Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ડેમોમા ગત નબળા ચોમાસાના કારણે પાણી તો છે નહી ને ઉપરથી દર અઠવાડીયે અમથી-અમથી સમીક્ષા થાય છે,તેમા ખુબીની વાત એ છે કે ગ્રામજનોને પીવાના પાણી ડેમમાંથી મળે છે,તેના કરતા દોઢુ પાણી તો બોર-કુવા પુરૂ પાડે છે.
જામનગર જિલ્લાની પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી.આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર રવિશંકરે જણાવ્યું કે જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં ખાસ કિસ્સામાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવા જણાવ્યુ હતુ. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન પ્રયત્નો કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચિત કર્યા હતાં.જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદા માંથી ૪૭ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૬.૧૬ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર/કુવામાંથી ૯.૦૦ એમ.એલ.ડી. આમ કુલ ૬૨.૧૬ એમ.એલ.ડી.પાણી પુરૂ પાડવામાં આવે છે.
જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત ૧૧૮ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદા માંથી ૪૮ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૭૨ એમ.એલ.ડી. આમ કુલ ૧૨૦ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. આવી આકડાકીય માયાજાળો વાસ્તવિકતાથી ઘણી વખત દૂર રહે છે તો બીજી તરફ નર્મદા સિવાય તો કંઇ આધાર નથી તેમ છતા દર અઠવાડીયે ખાલી ડેમોની સમીક્ષા થયા કરે છે.તે પણ એક પ્રકારની વરવી સ્થિતિ જેવું લાગે છે.
જે પાણી આપો તે નિયમિત અને ચોખ્ખુ આપો..
જામનગર જિલ્લામા ડેમમા તળીયામા પાણી છે.જેને વધુ ફીલ્ટર અને ક્લોરીનેશન ની જરૂર છે, તેમજ બોર કુવાના પાણી દરરોજ ચેક કરીને આપવાની જરૂર છે,પાણીની તંગી વખતે પાણીજન્ય બિમારીનુ જોખમ રહે માટે તંત્ર રોજ સજ્જ રહે તે જરૂરી છે,તેમજ પાણી જે વિતરણ કરો તે નિયમિત કરો તેવી નાગરિકોની માંગ ઉઠી છે,કેમકે પાણી વિતરણના ટાઇમ-ટેબલ જળવાતા ન હોય લોકોના ટાઇમ ટેબલ સંપૂર્ણ રીતે ખોરવાઈ જાય છે.