Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં ગરમીએ આજે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે,રવિવાર અને સોમવાર હિટવેવની આગાહી વચ્ચે આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે,ત્યારે શનિવારે જામનગરમાં ૩ વાગ્યે ૪૨ ડિગ્રી સુધી તાપમાન વધી જતા શહેરમાં કર્ફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું,જેની સાથોસાથ હિટવેવથી બચવા જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સલાહ સૂચનો સાથે અપીલ પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં હિટવેવની આગાહી વચ્ચે તાપમાનનો પારો ૪૫ થી ૪૮ ડિગ્રી સુધી પહોંચી જતા રાજયભરમાં તાપમાનની ભયંકર અસર જોવા મળી રહી છે.જેમાં મોડાસામાં ૪૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૬ ડિગ્રીની સાથો-સાથ રાજકોટ,અમદાવાદ,ગાંધીનગરમાં ૪૫ ડિગ્રી ગરમીની સાથે લૂ ફૂંકાતા જનજીવન પર અસર પડી હતી અને ઘણા સ્થળોએ લોકો બેભાન બની જવાના કિસ્સાઓ સામે આવ્યા છે,ત્યારે જામનગરમાં પણ હવે ગરમીનો પારો વધતા આરોગ્ય વિભાગ દ્વારા હિટસ્ટ્રોકથી બચવા જરૂરી સૂચના સાથે તેના ઉપાય સૂચવતી પત્રિકાઓ બહાર પાડી છે અને લોકોને સાવધ રહેવા જણાવાયું છે.