Mysamachar.in-જામનગર:
જામનગરમાં થોડા સમયપૂર્વે નિરજ ફલીયા નામના યુવકનું એક અકસ્માત દરમ્યાન ડોક્ટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ પરિવારજનોએ ઐતિહાસિક નિર્ણય લઈને નિરજના હૃદય, કીડની, લીવર, આંખોનું દાન કરવામાં આવ્યું હતું અને આ ઘટનાની ગુજરાતમાં ઐતિહાસિક ઘટનાની નોંધ લેવાઈ હતી,ત્યારે જામનગરમાં વધુ એક વખત આવી જ એક ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન થયું છે, જેમાં પટેલ યુવક જીગ્નેશભાઈ વિરાણીને પેરાલીસીસ થયા બાદ ખાનગી હોસ્પિટલના તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા અને પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય તાકીદે કરીને અન્ય કેટલાક લોકોની જિંદગીમાં ઉજાસ પથરાય તેવું પગલું ભરવામાં આવ્યું છે.
જામનગરના જનતા સોસાયટીમાં નજીક શાંતિનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટ અને કાર્ગો કુરિયરના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૬ વર્ષના જીગ્નેશભાઈ કેશવજીભાઇ વિરાણીને અચાનક જ મગજમાં લોહીની ક્રિયા બંધ થઈ જતા પેરાલીસીસનો હુમલો આવ્યો હતો અને જોલી બંગલા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં બે દિવસ પહેલા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા બાદ તબીબોએ જિગ્નેશભાઈને બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું.દરમિયાન જીગ્નેશભાઈ પોતાના અંગોનું દાન કરવાની ઈચ્છા ધરાવતા હોય પરિવારની સંમતિથી તૈયારી દર્શાવીને જિગ્નેશભાઈનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો,ત્યારબાદ ખાનગી હોસ્પિટલના તબીબોએ ખાસ અમદાવાદથી તબીબોનો ટીમ બોલાવીને જીગ્નેશભાઈ વિરાણી પર શસ્ત્રક્રિયા હાથ ધરીને કીડની,લીવર અને આંખોના અંગો લેવાયા હતા.આ ત્રણેય અંગો અન્ય વ્યક્તિઓને ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવામાં આવશે, ત્યારે વિરાણી પરિવારના આ નિર્ણયથી જામનગરમાં ફરી એક વખત માનવતા મહેકી ઉઠી છે.