Mysamachar.in-જામજોધપુર:
શહેરી વિસ્તાર જેટલું જ ગ્રામ્ય વિસ્તારનું મહત્વ છે. વિકાસ માટે શહેર ગ્રામ્ય વચ્ચે હંમેશા સંતુલિત વિકાસનો અભિગમ ધરાવતા સાંસદ પૂનમબેન માડમ નરમાણા,ગોપ,શેઠવડાળા,રબારીકા,ગીંગણી સહિતના જામજોધપુર તાલુકાના ગામડાના ચૂંટણીપ્રચાર માટે ગયા, ત્યારે ગ્રામજનોએ તેઓને વિજયનો કોલ આપ્યો અને ભાજપ સરકારના વિકાસકાર્યો, પુનમબેનની ગ્રામજનો માટેની સતત ચિંતાના કારણે આ વિજય કોલ મળ્યો છે,
જામજોધપુર તાલુકાના નરમાણા,વાંસજાળીયા,રબારીકા તેમજ પરડવા ગામે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનો યોજાયા હતા. સંમેલનોમાં મોટી સંખ્યામાં પેઇજ પ્રમુખો, ગામેગામથી બુથ સમિતીના કાર્યકર્તાઓ, પાર્ટીના આગેવાનો તેમજ શેઠવડાળા, સમાણાં, બુટાવદર, મોટી ગોપ, નંદાણા, ઘેલડા, ઘુનડા, મોટાવડીયા, વસંતપુર, સોનવાડીયા, બાલવા,જામવાડી,સતાપર,પાટણ, અમરાપર સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા,ઉપરાંત આ સંમેલનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને પુનમબેન માડમનું નાની બાળાઓ દ્વારા પુનમબેનના કપાળે કુમકુમ-તિલક કરી, રાસગરબા રમી, ઢોલ-નગારા વગાડી અને અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું,
પુનમબેન દ્વારા ટ્રેક્ટર અને ઊંટગાડીમાં ગામમાં લોકોની વચ્ચે નીકળી અભિવાદન ઝીલતા આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના જીતની એક અનોખી લહેર ઊભી થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓમા એક અનોખો જોમ અને જુસ્સો ઉભો થયો હતો, આ જુસ્સાની લહેર પૂનમબેનની જીતમાં પલ્ટાશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે,આ તકે પૂર્વમંત્રી ચિમનભાઇ સાપરીયાએ આ પંથકમાં થયેલા વિકાસના કામોની સિદ્ધિઓ વર્ણવી હતી, જ્યારે પૂનમબેન માડમે કહ્યું કે ત્રણ-ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવતા દિવસોમાં આપણા સંસદીય મત વિસ્તારમાંથી નીકળવાના છે, ત્યારે જામજોધપુર,ભાણવડ અને જોડિયા જે છેવાડાનો વિસ્તાર છે, તેમને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે. આ ત્રણેય વિસ્તારની કોઈ નોંધ નહોતી લેવાતી ત્યારે અનેક પ્રશ્નો આ વિસ્તારમાં ઉકેલાયા છે અને આવનાર સમયમાં પણ ઉકેલાશે. આવનારા દિવસોમાં આ વિસ્તારનો વિકાસ તમે જોઈ શકશો, તેમજ આ વિસ્તારમાં કવિગુરુ ટ્રેનના સ્ટોપ વિશે લોકોએ અનેક આંદોલન કર્યા, પણ કોઈ પ્રતિનિધિએ ધ્યાન ન આપ્યું. ત્યારે આ અંગે સાંસદ તરીકે મેં રજૂઆત કરતાં સ્ટોપ મંજૂર થયો,
આ વિસ્તાર અને જિલ્લામાં રેલ્વેના અનેક પ્રશ્નોનું નિવારણ પાછલા પાંચ વર્ષમાં થયું છે અને આવનાર સમયમાં પણ થતું રહેશે, ત્યારે જામજોધપુર લાલપુર વિસ્તાર પણ વિકાસના કામોથી વંચિત ના રહે અને છેવાડાના માનવી સુધી પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચે અને વિકાસથી ગુંજતો લાલપુર અને જામજોધપુર વિસ્તાર બને તે માટે આવનાર સમયમાં પણ અનેક કામો આ વિસ્તારમાં કરવામાં આવશે. જેની નોંધ વિપક્ષો પણ લેવા મજબૂર થશે તેમ અંતે પૂનમબેને જણાવ્યુ હતું.
આ સંમેલનમાં પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા,પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા,જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર,શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા,તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ ધનાભાઈ બેરા,માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવાભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ મોરી સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.