Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી કહેવાતી એવી જી.જી. હોસ્પિટલ આવેલ છે, સામાન્ય રીતે આ હોસ્પીટલમાં જામનગર ઉપરાંત આસપાસના જિલ્લાના કેટલાય દર્દીઑ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ ક્યારેક આવનાર દર્દીઓ તકલીફોનો પણ સામનો કરી રહ્યા હતા,પરંતુ હવે મોટા ભાગની તકલીફો દર્દીઓ સહિત સ્ટાફની દૂર થઈ જવા પામી છે, સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જી.જી. હોસ્પિટલની અત્યાધુનિક અને આજના જમાનાને અનુરૂપ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે,હવે કદાચ આપ આ નવી હોસ્પિટલમાં પ્રવેશો તો કોઈ હોટેલમાં આવ્યા હોય તેવો અહેસાસ પણ આ હોસ્પિટલમાં થાય તો નવાઈ નહીં. જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષથી દર્દીઓને આધુનિક સુવિધા મળે તે માટે માંગણી થતી આવતી હતી. આખરે સરકારે દર્દીઓના હિતમાં નિર્ણય લઈને ૭૦૦ બેડની નવી હોસ્પિટલને કાર્યાન્વીત કરી દેવામાં આવી છે,
નવ માળની આ નવી હોસ્પિટલમાં ગ્રાઉંડ ફ્લોર, પહેલો અને બીજો માળ રેડિયોથેરાપી એટ્લે કે કેન્સર વિભાગ માટે રાખવામા આવ્યો છે, જ્યારે ત્રીજા માળ પર માનસિક રોગનો વિભાગ કાર્યરત છે, જ્યારે ચોથા માળથી માંડીને આઠમા માળ સુધી મેડિસિન વિભાગ માટે ફાળવાયા છે,
મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવે છે કે, આ નવી બિલ્ડીંગમાં મેડિસિન વિભાગના કુલ ૯ વોર્ડ છે. જેમાં ૬ પુરુષો અને ૩ મહિલાઑના વોર્ડ છે. સરકાર દ્વારા આધુનિક હોસ્પિટલ મળતા દર્દીઓની સાથેસાથે તબીબો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુવિધામાં પણ વધારો થયો છે અને દર્દીઓ પણ સુવિધાનો અહેસાસ કરે છે, જૂની બિલ્ડીંગમાં જે ૧૦ બેડનું ડાયાલીસીસ યુનિટ હતું, તે વધારીને નવી હોસ્પિટલમાં ૨૦ બેડનું કરવામાં આવતા દર્દીઓના સમયમાં ખૂબ મોટો બચાવ પણ થઈ રહ્યો છે, સાથે જ જૂની બિલ્ડીંગમાં જે એક વોર્ડ દીઠ ૨૫ થી ૨૮ બેડની ક્ષમતા હતી, તે નવી બિલ્ડીંગમાં ૪૫ સુધીની થઈ જતાં દર્દીઓને સાનુકૂળતા ભર્યું વાતાવરણ મળ્યું છે,
૭૦૦ બેડની જી.જી.હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને હાલારના દર્દીઓને ઘણી જ રાહત રહેશે, આ ૭૦૦ બેડની હોસ્પિટલમાં દરેક ફ્લોર ઉપર દર્દીઓને તેમજ સગાવહાલા માટે અલાયદો પ્રતીક્ષા-એરીયા રાખવામાં આવેલ છે. ઈમારતની બંને બાજુ સીડી, પગથિયા, આધુનિક લિફ્ટો, સ્ટ્રેચર તથા કારગો લિફ્ટ જનરેટરની સુવિધા રાખવામાં આવેલ છે. દરેક ફ્લોર પર જનરલ શૌચાલય રાખવામાં આવેલા છે,હોસ્પિટલનું તંત્ર સુવ્યવસ્થિત ચાલે અને દર્દીઓ તેમજ તેમના સંબંધીઓને પણ કોઈ અગવડતા ના પડે તેના માટે જી.જી. હોસ્પિટલના અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન ડો. નંદિનીબેન દેસાઈ, અધિક ડીન ડો.એસ.એસ.ચેટર્જી, મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા, ડો.હેમાંગ આચાર્ય, ડો. પ્રકાશ મકવાણા, ડો.નીતિન રાઠોડ, ડો. કે.પી.પાઠક સહિતના તબીબો દિવસરાત જોયા વિના જહેમત ઉઠાવી રહ્યા છે,
આ દિશામાં પણ કાર્યવાહી ચાલુ…
હાલ જે જગ્યાએ નવી હોસ્પિટલની ઇમારત કાર્યરત થઈ છે, ત્યાં દાખલ થતાં દર્દીઓને સોનોગ્રાફી, ઇકો, એક્સ-રે, કરાવવા માટે જૂની ઈમારતમાં જવું પડે છે, પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગને આ અંગે પત્ર લખી અને સોનોગ્રાફી, ઇકો, એક્સ-રે નવી ઈમારતમાં જ શરૂ થઈ જાય તે દિશામાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.
નવી હોસ્પિટલમાં જાવ તો રાખજો ધ્યાન…
અત્યાર સુધી જી.જી. હોસ્પીટલમાં બધુ ચાલતું હતું, પણ નવી ઇમારતમાં કોઈની કારી ફાવશે નહીં. કારણ કે CCTV અને સિક્યુરીટી સાથે સજ્જ હોસ્પિટલમાં પ્રવેશ પાસ વિના કોઈને પણ પ્રવેશવા દેવામાં આવશે નહીં, ઉપરાંત સ્વચ્છતાના મામલે પણ જરા પણ ચૂક નવી હોસ્પિટલમાં ચાલવાની નથી તે હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.