Mysamachar.in-જામનગર:
જામનગર ચાંદી બજારમાં ચકચારી લાખો રૂપિયાના હીરાની છેતરપિંડીના બનાવમાં પોલીસે એક શખ્સને ઝડપી તો પાડયો છે, પરંતુ આ લાખો રૂપિયાના હીરા મુંબઈમાં રહેતો તેનો સાગરીત લઈને નાસી ગયો હોવાનું ખુલ્યું છે,
હીરાની છેતરપિંડીના કિસ્સાની જાણે વિગત એમ છે કે, જામનગરના ચાંદી બજાર ખાતે સોના-ચાંદીની પેઢી ધરાવતા પલ્લવીબેન સોની તેમજ તેમના પતિ હીરા વેચવા માટે સુરત ગયા હતા અને અલગ અલગ જગ્યાએ હીરાના દલાલોને પોતાના મોબાઈલ નંબર આપીને કોઈ હીરા ખરીદવા માંગતુ હોય તો સંપર્ક કરવા જણાવ્યુ હતું. દરમ્યાન પલ્લવીબેનના મોબાઈલ નંબર સુરતના નરશી ઉર્ફે દિનેશ કોરડીયા પાસે આવી જતા પલ્લવીબેનનો હીરાની ખરીદી માટે સંપર્ક કર્યો હતો,
ત્યારબાદ જામનગર ચાંદીબજારમાં પલ્લવીબેનની સોનીની દુકાને ગત તા.૧૮ ના રોજ નરશી ઉર્ફે દિનેશ કોરડીયા અને કાંતિ સાવલિયા નામના શખ્સોએ હીરાની ખરીદી કરવા આવ્યા હતા અને મહિલા સોની વેપારીની નજર ચૂકવીને 402 કેરેટ ૩૪૭ નંગ અસલી રફ હીરાના પેકેટની જગ્યાએ કાકરાનું પેકેટ બદલાવીને આ શખ્સો ૩૭ લાખના હીરા લઈને નાસી ગયા બાદ મહિલા સોની વેપારીને ખબર પડી કે તેની સાથે હીરાની ખરીદી કરવા આવેલ બન્ને શખ્સોએ છેતરપિંડી આચરેલ છે. જેથી સીટી-એ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી,
આમ ચાંદી બજારમાં થયેલ આ છેતરપિંડીના બનાવમાં એલસીબીએ તપાસમાં જુકાવીને જામનગર તાલુકાના વાણીયાગામના અને સુરતમાં રહેતા નરશી ઉર્ફે દિનેશ કોરડીયાને ઝડપી લેવામાં આવ્યો છે, આ શખ્સ અગાઉ હીરા ઘસવાનો ધંધો કરતો હોવાથી હીરાનો જાણકાર છે અને સુરતમાં ૪ થી ૫ સ્થળોએ હીરાની છેતરપીંડી કરેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ શખ્સે એલસીબીને જણાવ્યું હતું કે, મુંબઈમાં રહેતો તેનો સાગરીત કાંતિ સાવલિયાને ૩૭ લાખના હીરા આપી દીધા હોવાથી તે હીરા લઈને ચાલ્યો ગયો હોવાની કબૂલાત આપી છે. જેથી એલસીબીએ મુંબઈના ફરાર કાંતિ સાવલિયા નામના શખ્સને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.