mysamachar.in-જામનગર
છેલ્લા બે દિવસ થી જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ની ખરીદીની લઈને ખેડૂતોનો ઉહાપોહ ઉઠતા આજે જીલ્લા કલેકટરએ પત્રકાર પરિષદ બોલાવી અને માહિતી આપી તેમાં સામે આવ્યું છે જામનગર જિલ્લામાં 905 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેંચવા માટે બોલાવ્યા..પરંતુ,તેમાંથી આવ્યા ફક્ત 422 ખેડૂતો..તેમાં પણ 56 ખેડૂતોની મગફળીના સેમ્પલ રિજેક્ટ થતાં તેઓનો માલ ન ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજયના અન્ય જિલ્લાની માફક જામનગર જિલ્લામાં છ કેન્દ્રો પર પંદરમી તારીખથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામા આવી છે.ટેકાના ભાવે મગફળી વેંચવા માટે અત્યાર સુધીમાં 19,432 ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવીચૂક્યા છે..જે પૈકીના 905 ખેડૂતોને મેસેજ કરી મગફળી વેચવા માટે બોલાવવામા આવ્યા હતા…જો કે, આશ્ચર્યની વાત એ છે કે, જે 905 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવવામા આવ્યા તેમાંના પચાસ કરતાં પણ ઓછા એટલે કે 422 ખેડૂતોજ મગફળી વેચવા માટે આવ્યા.તેમાં પણ 56 ખેડૂતોના સેમ્પલ રિજેક્ટ થતાં ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેંચી ન શક્યા હોવાનું આજની પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકર એ આપેલ માહિતીમા સામે આવ્યું છે.
ખાસ કરીને જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં સેમ્પલ રિજેકટ થતાં છેલ્લા બે દિવસથી ભારે ધડબડાટી બોલી રહી છે..ગઈકાલે રાજકીય આગેવાનો દ્રારા સેમ્પલની કાર્યવાહીને લઈ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરાયા બાદ આજે પણ કેટલાક ખેડૂતોના સેમ્પલ ફેલ થતાં યાર્ડમા દેકારો બોલ્યો હતો.જો કે, જિલ્લા કલેકટર દ્રારા સેમ્પલ રિજેક્શનને લઈ સ્પષ્ટતા કરવામા આવી હતી..તેઓએ કહ્યું હતું કે, સેમ્પલીંગની જવાબદારી નાફેડની છે..નાફેડ દ્રારા જ સરકારના નક્કી ધારાધોરણો મુજબ સેમ્પલીંગની કાર્યવાહી કરવામા આવે છે,બાકી સીધી તંત્રની સેમ્પલીંગ ને લઈને કોઈ જવાબદારી ના હોવાનું પણ તેમણે કહ્યું હતું.
વધુમાં તો વહીવટીતંત્ર એમ પણ માની રહ્યું છે કે, ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડ પર આવે તે પહેલા જ પ્રક્રિયાથી વાકેફ થઈ જાય છે..જે ખેડૂતોને એમ લાગે કે,તેનો માલ સેમ્પલમાં પાસ થાય તેમ નથી..તેવા ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડ સુધી આવતા જ નથી.જો કે, વાસ્તવિકતા કંઈક અલગજ છે..કારણ કે, ખેડૂતોને પેમેન્ટની અનિશ્ચિતતા, ટેકાના ભાવે માલ વેંચશે તો પાક વીમો મળશે કે નહીં, યાર્ડ પર માલ લાવ્યા બાદ સેમ્પલ રિજેક્ટ થાય તો ખર્ચના ભારણનો ડર જેવા અનેક કારણો છે કે, જેને લઈ ખેડૂતોનો પ્રતિસાદ નબળો હોવાનુ જાણવા મળ્યુ છે…