mysamachar.in-જામનગર
જામનગર મહાનગર પાલિકા દ્વારા ગણેશ ઉત્સવના તહેવાર દરમ્યાન મોટાઉપાડે જાહેરનામું બહાર પાડીને કુત્રિમ તળાવનું નિર્માણ કરી અને તેમાં જ ભાવિકો દ્વારા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી હતી, જેમાં મનપાને મહદઅંશે સફળતા તો મળી પણ તે બાદ મૂર્તિઓની ત્યાં થી ઉપાડી અને એક ખુલ્લા મેદાનમાં છોડી દેવામાં આવતા આ મામલે નવો વિવાદ છેડાઈ તો નવાઈ નહિ.
જામનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીરએ આ મામલે કમિશ્નરને પત્ર લખીને જણાવ્યુ છે કે, મહાનગર પાલિકા વાલસુરા રોડ પર 3 લાખના ખર્ચે નાનું ખાબોચિયું (કુંડ) બનાવામાં આવ્યું હતું,જેમાં માત્ર પાણીમાં ડુબાડીને ગણપતિ દાદાની મુર્તિઓ બહાર કાઢી લેવામાં આવી હતી,જેના પરથી એવું સાબિત થાય છે કે, દેખાવો કરવા માટે માત્ર કુંડ બનાવેલા હતા,જો કુંડ મોટો ૪૦ લાખના ખર્ચે બનાવેલ હોત તો મુર્તિઓની આ દશા ન થઈ હોત તેવી પણ ટકોર કરી છે
આ મામલે કોર્પોરેટર દેવશી આહીરએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે,જેમાં ભાજપને મત જોતાં હોય છે ત્યારે ગાય માતાને નામે અને ગણપતિ દાદાના નામે મત લેવા દોડી જાય છે તેવામાં ભાજપના જ રાજમાં વિધ્નહર્તા પોતેજ વિધ્નમાં હોય, હિન્દુ સંસ્કૃતિના દેવોનું અપમાન થયું છે અને લોકોની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ પણ આહીર એ કર્યો છે,
કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ મૂર્તિઓને કાઢી લઇ અને આ મુર્તિઓના વિસર્જન માટે કોઈપણ જાતની વ્યવસ્થા કરાઈ નથી,અને મોટાભાગની મૂર્તિઓ હાલ મેહુલ સિનેમા પાછળ આવેલ એક મેદાનમાં પડી છે,અને લોકોની લાગણી આ મૂર્તિઓ જોઈને દુભાઈ રહી છે,
ત્યારે જો દિવસ ત્રણમા ગણપતિ દાદાની મુર્તિઓના વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તા. ૨૧ ના રોજ સવારે ૯થી સાંજ સુધી દેવશી આહીર અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વગેરે મેહુલ ટોકીઝની પાછળના મેદાનમાં એક દિવસીય ધરણાં(ઉપવાસ) આંદોલન કરવાની ચીમકી આપી છે.