mysamachar.in-ગાંધીનગર:
જામનગર જિલ્લાના જોડીયા ખાતે આશરે બે વર્ષ પહેલા પણ ખારામાંથી મીઠું પાણી કરવાના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ બે વર્ષના સમયગાળામાં કોઈ પણ પ્રકારની હિલચાલ જોવા ન મળતા માત્ર જાહેરાત જ કરાતા આ વિસ્તારમાં અનેક સવાલો ઊભા થયા હતા,
તેવામાં આજે ફરીથી દરિયાના ખારા પાણીમાંથી પ્રતિદિન ૧૦ કરોડ લીટર મીઠું પીવાનું પાણી બનાવવાની ક્ષમતા ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયામાં કાર્યાન્વિત થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ વચ્ચે આજે ગાંધીનગરમાં આ પ્રોજેકટ માટે સમજૂતિ કરાર થતા જાહેરાત કરવામાં આવી છે,
જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડી-સેલીનેશન દ્વારા મીઠું પીવાનું પાણી બનાવવાના આ પ્રોજેકટ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે એવી જાહેરાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં તમિલનાડું પછી ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જયાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેકટ શરૂ કરાશે,
રાજ્યના પાયલોટ પ્રોજેકટ તરીકે સ્થપાનાર આ પ્રોજેકટ પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂા.૭૦૦ કરોડના ખર્ચે સ્થપાશે.ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે એસ્સલ ઇન્ફ્રા પ્રોજેકટ લિમિટેડ, મુંબઇ તથા એબીન્સા ઇન્ફ્રાસ્ટ્રકચર મેડીયો એમ્બીયન્ટે સાથે સંયુકત કરાર આજે કર્યા હતા.
પ્રોજેકટના સમગ્ર બાંધકામ અને આનુષાંગિક કામો માટેની નાણાંકીય જવાબદારી એજન્સીની હોય રાજ્ય સરકારને કોઇ વધારાનું નાણાંકીય ભારણ આવશે નહીં.આગામી ૩૦ મહિનાના સમયગાળામાં જોડિયા ખાતે ૧૦૦ એમ.એલ.ડી. પાણી આપતાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે,
આ પ્રોજેકટ વર્ષ ર૦ર૧-રરથી આ પ્લાન્ટ કાર્યાન્વિત થઇને રોજનું ૧૦ કરોડ લીટર પાણી આપતો થશે. આ પ્રોજેકટમાં કન્સેશન પીરીયડ ર૫ વર્ષનો રાખવામાં આવ્યો હોઇ આગામી ર૫ વર્ષ સુધી ડી-સેલીનેશન પ્લાન્ટથી પીવાનું પાણી મેળવાશે,
આમ સરકાર દ્વારા ખાનગી કંપની સાથે આ પ્રોજેકટના એમ.ઑ.યુ. કરીને ફરીથી સપના દેખાડવામાં આવી રહ્યા છે,ત્યારે આ પ્રોજેક્ટનું વાસ્તવિક સ્વરૂપે કામ શરૂ થાય તે આ વિસ્તારના લોકો માટે અત્યંત જરૂરી છે.