mysamachar.in-જામનગર:
દેશભરમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ સરકારી બાબુઓ જાણે સુધરવાનું નામ લેતા ન હોય તેમ અરજદારો પાસેથી લાંચ સ્વરૂપે અનેક પ્રકારના માંગણી કરવામાં આવતી હોવાની વારંવાર ફરિયાદો થતી રહે છે,તેવામાં જામનગરના પોસ્ટ વિભાગમાં અધિકારી દ્વારા લાંચ સ્વરૂપે ઘરવપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા સામાન્ય મિક્સર મશીનની માંગણી કરવી ભારે પડી હોય તેમ આજે અદાલતએ પોસ્ટ અધિકારીને મિક્સરની લાંચ માંગવાના કેસમાં સજા ફટકારીને ભ્રષ્ટ સરકારી બાબુઓને ચેતી જવા માટે વધુ એક વખત લાલબત્તી ધરતો સજા આપતો ચુકાદો આપ્યો છે,
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં શિક્ષક પાસે ૫૦૦ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં ખંભાળિયા તાલુકાનાં નાયબ હિસાબનીશ અધિકારી સામે કેસ સાબીત થતા સજા ફટકારવામાં આવી હતી,તેવામાં આજે સ્પે.કોર્ટ દ્વારા પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસરને લાંચ લેવાના કેસમાં સજા ફટકારતો ચુકાદો ફરમાવ્યો છે,
આ કેસની વિગત એવી છે કે જામનગર રહેતા સિરાઝ તાહેરઅલી જોડીવાલાના માતા અરવાબેન પોસ્ટ કચેરીમાં બચત ખાતાની એજન્સી ધરાવતા હતા અને અલગ-અલગ અરજદારોના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવ્યા હતા.આ અરજદારોની પોસ્ટ ખાતાની પાસબુક ખોવાઈ જતા ડુપ્લિકેટ પાસબૂક મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં અરવાબેનએ જાણ કરી ડુપ્લિકેટ પાસબુક મેળવવા માટે વારંવાર રજૂઆત કરતા હતા.
તેવામાં પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસર વિજય રતનશી વાછાણીએ પોસ્ટ બચત ખાતાના એજન્ટ અરવાબેન પાસે ડુપ્લિકેટ બચત પાસબુક કાઢી આપવાના બદલામાં લાંચ સ્વરૂપે ઘર વપરાશ ખાસ કરીને રસોઈના સાધનો માટે ઉપયોગમાં લેવાતા મિક્સર મશીનની માંગણી કરી હતી,
આથી અરવાબેનના પુત્ર સિરાઝભાઈ જોડીવાલાએ જામનગર એ.સી.બી.નો સંપર્ક કરીને જે-તે સમયે લાંચનું છટકું ગોઠવ્યું હતું અને સિરાઝભાઈ પોસ્ટ ઑફીસે જઈને ઓફિસર વિજય વાછાણીને મિક્સર મશીન હાથોહાથ આપતાની સાથે જ એ.સી.બી.ની ટીમે વિજય વાછાણીને રંગે હાથ ઝડપી લીધા હતા,
જામનગરની સ્પેશિયલ કોર્ટમાં લાંચનો આ ચર્ચાસ્પદ કેસ ચાલી જતા તમામ આધાર-પુરાવા,સાક્ષીઓની જુબાની,નિવેદનો વગેરેના આધારે જામનગરના પોસ્ટ ઓફિસર વિરુદ્ધ લાંચનો મજબૂત કેસ સાબીત માનીને લાંચીયા અધિકારીને આજે સજા ફટકારતો ચુકાદો ફરમાવેલ છે.