mysamachar.in-જામનગર:
ગુજરાતમાં આ વર્ષ અપુરતા વરસાદના કારણે નબળુ વર્ષ હોય,મધ્યમ વર્ગના પરિવારથી માંડીને ઘણા લોકો આર્થિક પરિસ્થિતીનો સામનો કરવાની નોબત આવી છે,તેવામાં ઔદ્યોગિક સહિત ઘણા ક્ષેત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.તેવામાં જામનગરના ટ્રાન્સપોર્ટના માલીકએ આર્થિક ભીંસના કારણે ટેન્શનમાં આવીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે,
જામનગરના ટ્રાન્સપોર્ટના માલીકની આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ અહીંના બેડેશ્વરમાં ભગવતી રોડવેઝના માલીક જયેશભાઇ ઉપાધ્યાયએ પોતાના ટ્રાન્સપોર્ટના ધંધામાં ઘણા પૈસાનું રોકાણ કર્યું હતું. રોકાણ કરેલ પૈસાનું પુરતુ વળતર ન મળતા અને ધંધામાં રોકેલ પૈસા સમયસર પરત ન આવતા છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવી રહ્યા હતા,તેવામાં ગતરાત્રીના જયેશભાઇ ઉપાધ્યાય વધુ પડતા ટેન્શનમાં આવી જતા પોતાની બેડેશ્વરમાં આવેલ ઓફિસમાંજ લાકડાની આડશમાં દોરી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મોત નીપજયું હતું.
આ બનાવ અંગેની મૃતક ટ્રાન્સપોર્ટના માલીક જયેશભાઇ ઉપાધ્યાયના પુત્ર દીપ ઉપાધ્યાયએ પોલીસમાં જાણ કરતાં પોલીસએ આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે,
આમ આ વર્ષ નબળું પુરવાર થતા એક બાજુ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોના આપઘાતના બનાવો અને બીજી તરફ બેકારીથી કંટાળીને બેરોજગાર યુવકોના આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે,ત્યારે મંદીનો સામનો કરી રહેલ અનેક લોકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે,તેવામાં ધંધામાં આર્થિક ભીંસ અનુભવતા જામનગરના ટ્રાન્સપોર્ટના માલીકે મોત મીઠું કરી લીધાનો બનાવ સામે આવતા જામનગરમાં આર્થિક મંદીના માહોલનું વાસ્તવિક ચિત્ર ધીમેધીમે બહાર આવી રહયુ છે.