mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં જામજોધપુર,લાલપુર,ધ્રોલ-જોડિયા તાલુકામાં અપૂરતા વરસાદના કારણે આ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની તેમજ પાક વીમો આપવાની ખેડૂતો દ્વારા માંગણી સાથે સરકારમાં આવેદનપત્ર આપીને જોરશોરથી રજૂઆત કરવામાં આવી રહી છે,
ત્યારે કાલાવડ તાલુકાનાં ખેડૂતો દ્વારા દેવા માફીની ઉગ્ર માંગ સાથે ૧૦ ગામના ખેડૂતો આજે એકઠા થઈને ખરેડી ગામે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ પણ જોડાઈને રસ્તા પર દૂધ ઢોળીને,તેમજ લસણ-ડુંગળી, શાકભાજી રસ્તામાં ફેંકીને મહિલાઓ દ્વારા છાજિયા સાથે રાસ રમી વિરોધ કરીને આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો અને ખરેડી ગામ સ્વયંભુ બંધ પાડ્યો હતો,
આજે ખરેડીથી કાલાવડ સુધી વિશાળ સંખ્યામાં ખેડૂતોએ બાઇક રેલી યોજીને સંમેલનમાં ભાગ લેવા પહોચ્યા હતા અને સરદાર પટેલ ચોકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને મહાસંમેલનનું આયોજન કરીને ખેડૂતો દ્વારા લડતમાં મંડાણ કરતાં સરકારની ચિંતામાં વધારો કર્યો છે,
કાલાવડ ખાતે ખેડૂતોના આ મહાસંમેલનમાં દેવામાફી,પોષણક્ષમ ભાવ મુદ્દે,તેમજ ખાસ કરીને વીમા માપણીઓ ક્રોપ કટીંગ મામલે તેમજ જામનગર જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ઘાસચારા,પાણીની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતો દ્વારા જબરો રોષ ઠાલવવામાં આવ્યો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.
 
			 
                                 
					
 
                                 
                                



 
							 
                