mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્ય સહિત જામનગર જીલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં સડકની સુવિધા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મૂકીને જીલ્લામાં ગત વર્ષે રોડ બનાવવા માટે ૪૮૭૧ લાખનું ફંડ ફાળવ્યું હતું પરંતુ મોટા ભાગના રોડના કામ ઉપર નબળી કામગીરી થતાં આ ફંડનો દુરુપયોગ થતો હોવાનું જણાય છે અને જામનગર જીલ્લામાં જ કેટલાય રસ્તાઓ એવા છે કે જે બન્યાના થોડા સમયમાં જ વેર વિખેર થઈ જાય છે તે બાબત ઉચ્ચસ્તરીય તપાસ માંગી લેતી છે,
જામનગર જીલ્લામાં ગત વર્ષે માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નિતિન પટેલએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાલપુર તાલુકામાં ૧૧,જામનગર તાલુકામાં ૧૦,જામજોધપુરમાં ૧૨,જોડિયામાં ૬,કાલાવડમાં ૧૨,અને ધ્રોલમાં ૧ રોડનું કામ મંજૂર કર્યા હતા જેમાથી મોટાભાગના રોડના કામમાં ટેન્ડરની શરતો અને સરકારની ચોક્કસ ગાઈડ લાઇનનું પાલન કરવામાં ન આવતા રોડ ટૂંકાગાળામાં જ ખરાબ થઈ ગયા ના અનેક દાખલાઓ સામે આવી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા રોડના કામગીરી અંગે ફરિયાદોનો મારો કરીને આ રોડના કામ સારા કરવા માટે સતત રજૂઆત કરાઇ રહી છે,
વર્ષો પછી જામનગર જીલ્લાના ગામડાઓને ડામર રોડથી જોડવાની ખુબજ સારી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સરકારે અમલમાં મૂકી છે અને ગામડાને જોડતા ડામર રોડ સરકાર એકજ વખત મંજૂર કરે છે ત્યારબાદ ૭ કે ૧૦ વર્ષે રોડ મંજૂર કરવાની સામાન્ય જોગવાઈ છે,…તેવામાં રોડ તૂટી જવાના કિસ્સા સામે આવે તે ગંભીર બાબત છે,
ત્યારે જામનગર જીલ્લામાં મુખ્યમંત્રીના નામે બનાવેલ ગ્રામ સડક યોજના ગ્રામીણ ક્ષેત્રમાં બદનામ થઈ છે,..જેની પાછળ જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઇજનરો સુપરવાઈઝરો વર્ક આસિસ્ટન્ટ,વગેરેને સરકાર ધરાઈ જાય એટલા માસિક પગાર આપવા છતાં સરકારને વફાદાર ન રહીને ઠેકેદારો સાથે સમજૂતી કરી સરકારની અતિ મહત્વની અને ગામડાઓની જીવાદોરી સમાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના કલંકિત કરતાં હોવાનું ગ્રામીણ પ્રજામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.