mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં આજની તારીખે ગતવર્ષ આ તારીખની સરખામણીએ ૫૦% જેટલો જ વરસાદ પડ્યો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં ખેડુતો દ્વારા મુખ્યત્વે કપાસ મગફળીનું વાવેતર કરેલ હોય અને હવે જો વરસાદ ખેંચાઈ તો પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ વચ્ચે ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે,
જામનગર જિલ્લામાં અપૂરતા વરસાદ વચ્ચે છુટોછવાયો વાવણી લાયક વરસાદ પડ્યા બાદ જામનગર જિલ્લામાં ખેડુતો દ્વારા આશરે 1 લાખ 69,893 હેક્ટરમાં કપાસનું વાવેતર કરી નાખ્યું છે અને બીજા નંબરએ આશરે 1 લાખ 26,233 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી નાખ્યુ છે
તાલુકાવાર વાવેતરના સરકારી આંકડા જોઈએ તો જામનગર તાલુકામાં કપાસનું સૌથી વધુ 38,974 હેક્ટરમાં અને મગફળીનું 25,442 ખેડૂતોએ વાવેતર કર્યું છે, ધ્રોલ તાલુકામાં કપાસનું 20,300 હેક્ટરમાં મગફળીનું 7,975 હેક્ટરમાં વાવેતર થયું છે, જોડિયા તાલુકામાં કપાસનું 18,535 હેક્ટરમાં,મગફળીનું 7,548 હેક્ટરમાં વાવેતર થયું છે, કાલાવડ તાલુકામાં કપાસનું 37,150 હેક્ટરમાં, મગફળીનું 33,151 હેક્ટરમાં વાવેતર થયું છે. જામજોધપુર તાલુકામાં કપાસનું 28,420 હેક્ટરમાં, મગફળીનું 23,200 હેક્ટરમાંવાવેતર થયું છે. અને લાલપુર તાલુકામાં કપાસનું 29,514 હેક્ટરમાં મગફળીનું 28,908 હેક્ટરમાં ખેડુતોએ વાવેતર કરી નાખ્યુ છે વાવેતરના આંકડાઓમાં જામનગર જીલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકમાં સૌથી ઓછુ વાવેતર થયું છે,જામનગર જિલ્લામાં હાલ અપૂરતા વરસાદ વચ્ચે ખેડુતોએ કપાસ અને મગફળીનું વાવેતર તો કરી નાખ્યું છે પરંતુ હવે જો 5 થી 7 દિવસમાં વરસાદ આવે તો કપાસ અને મગફળીના પાકને નુકશાન ન થાય ત્યારબાદ જો વરસાદ ખેંચાઈ તો પાક નિષ્ફ્ળ જાય તેમ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે,
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી તા.2 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાના અણસાર દેખાતા નથી તેવું હાલ પૂરતું સેટેલાઇટ પરથી સ્પષ્ટ થાય છે,ત્યારે ખેડુતોમાં ચિંતા હવે એ જન્મી છે કે જો કુદરત રૂઠે તો ખેડુતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે તેમ છે,ત્યારે જગતનો તાત આભ સામે મીટ માંડીને જોઈતી મેઘમહેર થઇ જાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.