Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાકારક સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપના વેચાણ સામે છેલ્લા ઘણા સમયથી કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ વિભાગને સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત પીણાંનું વેચાણ સદંતર બંધ કરાવી, આ સામે ધોરણસર કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચના અંતર્ગત જિલ્લા એલસીબી પોલીસએ સધન કામગીરી કરી હતી.
જે અંતર્ગત તારીખ 2 ઓગસ્ટના રોજ એલસીબી પોલીસ ઈન્સ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ અને ભરતભાઈ જમોડ દ્વારા આર.કે. બંદર વિસ્તારમાં મહાકાલ પાન તેમજ મહાદેવ નામની બે દુકાનોમાંથી અનુક્રમે 132 તથા 60 મળી, આ બંને દુકાનમાંથી રૂપિયા 28,800 ની કિંમતની 192 બોટલ આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે લઈ અને એફએસએલમાં મોકલતા આના રિપોર્ટમાં નશાબંધી કાયદાનો ભંગ થતો હોવાનો ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે સ્થાનિક પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા તાકીદની અને ઊંડાણપૂર્વકની તપાસમાં આ સીરપ પ્રકરણનો માસ્ટર માઈન્ડ સુનિલ કક્કડ તેમજ અન્ય સાત આરોપીઓ સામે પણ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણના માસ્ટર માઈન્ડનો ગુનાહિત ઇતિહાસમાં તેની વિરુદ્ધ સી.બી.આઈ., ઈ.ડી. સહિતના કુલ 9 કેસ નોંધાયેલ છે અને તેણે અગાઉ રૂપિયા 700 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું પણ વધુમાં પોલીસ દ્વારા જણાવાયું છે.
આ પ્રકરણના મુખ્ય આરોપી એવા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સેટેલાઈટ સેન્ટર ખાતે રહેતા સુનીલ સુરેન્દ્રભાઈ કક્કડ સામે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ગુનાઓ નોંધી, ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ દ્વારા લાઇબ્રેરિયા (આફ્રિકા દેશ) ખાતે જતો રહ્યો હતો. તેની લાઇબ્રેરીયાથી ધરપકડ કરી અત્રે લાવી અને વર્ષ 2014 થી 2021 સુધી સાબરમતી, આર્થર જેલ – મુંબઈ ખાતે તે જેલવાસ ભોગવી ચુક્યો છે. તેણે ભૂતકાળમાં રૂપિયા 700 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યું છે. જેના કારણે પોતે પોતાના નામથી કોઈ અધિકૃત રીતે કામ ધંધો કરી શકે તેમ ન હોય, તેણે એચ.જી.પી.ના પાર્ટનરોનો સંપર્ક કરી, અને પડદા પાછળ આ કંપનીમાં ભાગીદાર તરીકે જોડાઈને પોતાની ભૂતકાળની ગુનાહિત માનસિકતા મુજબ પુનઃ આ પ્રકારે નશાયુક્ત પીણાંનો ગુજરાત રાજ્યમાં વેપાર શરૂ કરી દીધો હતો.
પ્રકરણના બીજા આરોપી તરીકે એચ.જી.પી. કંપનીનો ફેક્ટરી ઈન્ચાર્જ એવો વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકાનો ભાવિક ઇન્દ્રવદન પ્રેસવાલા તેમજ ત્રીજા આરોપી તરીકે એ.એમ.બી. ફાર્માના મુખ્ય વહીવટીકર્તા તરીકે વાપીના રહીશ અમોદ અનિલભાઈ ભાવે, ચોથા આરોપી સૌરાષ્ટ્ર ઝોનના નંદીની એન્ટરપ્રાઇઝના ડિસ્ટ્રીબ્યુટર એવા જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પાંચમા આરોપી તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુના ખીજદડ ગામે રહેતા અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, છઠ્ઠા આરોપી એવા નંદીની એન્ટરપ્રાઇઝ વતી કામ કરતા ખીજદડ ગામના મૂળ રહીશ વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, સાતમા આરોપી એવા નશાયુક્ત પીણાંનું વેચાણ કરતા ઓખાના રહીશ નિલેશ ભરતભાઈ કાસ્ટા અને આઠમા આરોપી ઓખાના કુલદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના કુલ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી રૂપિયા 28,800 ની કિંમતની આયુર્વેદિક નશાયુક્ત પીણાંની 192 બોટલ, રૂપિયા 1,86,500 ની કિંમતના 11 નંગ મોબાઈલ ફોન, રૂ. 20,000 ની કિંમતની એક સ્માર્ટ વોચ, રૂપિયા દોઢ લાખ ની કિંમત નહિ વેગન- આર મોટરકાર મળી કુલ રૂપિયા 3,56,500 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ ગુનાની જાહેર થયેલી મોડેસ ઓપરેન્ડીમાં રાજ્યમાં દારૂબંધી હોવાથી મુખ્ય સૂત્રધારો દ્વારા સેલવાસ (દાદરા અને નગર હવેલી) ખાતે હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નામની કંપની સ્થાપી તેમાં એ.એમ.બી. ફાર્મા પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સેલવાસ ખાતેથી લોન લાયસન્સ મેળવી અને તેઓના પોતાના જ મળતીયા માણસોના નામથી અમદાવાદ- ચાંગોદર ખાતે શિવ એન્ટરપ્રાઇઝ નામથી એ.એમ.બી. ફાર્માના સુપર સ્ટોકીસ્ટ તરીકેની નિમણુક લઈને આબકારી અને નશાબંધી વિભાગ પાસેથી એસ.એ.-2 મુજબનું લાઇસન્સ મેળવીને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુટરોની નિમણૂક કરવામાં આવતી હતી.
સ્થાનિક કક્ષાએ ડીલરોની નિમણૂક કરીને એક સુઆયોજિત રીતે આ રેકેટ ચલાવવામાં આવતું હતું. જેમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણાંનું ઉત્પાદન કરી અને ગુજરાત રાજ્યમાં પાન-બીડીના ગલ્લાઓ ઉપર તેનું સરળતાથી વેચાણ કરવામાં આવતું હતું. જેમાં આ પ્રકારની આયુર્વેદિક પીણાંની એક પણ બોટલ મેડિકલ સ્ટોર ઉપર વેચાણ કરતા ન હતા. આ રીતે તેઓ દારૂની અવેજમાં આયુર્વેદિક દવાની આડમાં નશાયુકત પીણાંનો વેપાર કરીને અઢળક, અનૈતિક આવક રડતા હતા.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી.ગળચર, સાયબર સેલના પી.આઈ. એ.વાય. બ્લોચ, દ્વારકાના પી.આઈ. તુષાર પટેલ, પી.એસ.આઈ. આકાશ બારસિયા, યુ.બી. અખેડ, આર.આર. ઝરૂ તથા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ દ્વારા ખંભાળિયા ખાતેથી આ પ્રકારની નશાયુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કરી, આ પ્રકરણમાં ભરત નકુમ તથા પંજાબના પંકજ ખોસલા નામના બે મુખ્ય સુત્રધારો સહિત અન્ય બીજા પાંચથી વધારે શખ્સો સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી અને ચાંગોદર તથા પંજાબમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડીને આવી અનધિકૃત રીતે ચાલતી ફેક્ટરીઓ બંધ કરાવી હતી. આ પ્રકરણના આરોપીઓ પણ છેલ્લા ત્રણેક માસથી હાલ જેલની હવા ખાઈ રહ્યા છે.
 
			 
                                 
					
 
                                 
                                



 
							 
                