Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દેશીદારુ વેચાણ કરનાર મહિલાએ એક બાળકની મજબુરીનો લાભ લઇ અને તેની પાસે દારુ વેચાણ કરાવી અને તેની સામે માત્ર બે ટાઈમ જમવાનું આપતી હોવાનો કિસ્સો ચકચાર મચાવે તેવો છે. ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં એક મહિલા દ્વારા આ વિસ્તારના એક બાળક પાસે દેશી દારૂનું વેચાણ કરાવી, આ અંગેની રકમ પોતે રાખતી હોવા અંગેની ફરિયાદ સ્થાનિક પી.આઈ. દ્વારા નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે જાહેર કરેલ વિગતો મુજબ ઓખા મંડળના સુરજકરાડી ગામે રહેતા મેઘાબેન ધનાભાઈ રોસિયા નામના મહિલાએ આ વિસ્તારમાં રહેતા આશરે 17 વર્ષના એક તરુણ પાસે ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરાવી અને આ દારૂના વેચાણના પૈસા પોતે રાખીને પોતાનો આર્થિક લાભ મેળવતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
આમ, આ મહિલા દ્વારા બાળ શ્રમિકને દારૂનું વેચાણ કરાવવાની મજૂરીના બદલામાં બે ટંક જમવાનું આપી, અન્ય કોઈ વળતર ના આપીને બાળમજૂરી કરાવી, બાળ શ્રમિકનું શોષણ કરવા અંગેની ફરિયાદ સ્થાનિક ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ અંગે મહિલા સામે ધી જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્ટ) એક્ટ 2015 ની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.