Mysamachar.in:જામનગર
જામનગરમાં કોલસાના કારોબારમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. શહેરના એક વેપારી સાથે ધોખો થયો છે. ધોખેબાજોમાં બે મહિલાના પણ નામ છે. મામલો રૂ. 23.45 લાખનો હોવાનું બહાર આવ્યું છે.જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની આ ફરિયાદ આનંદ અશોકભાઈ પોપટ નામના લોહાણા વેપારીએ નોંધાવી છે. આનંદભાઈ શહેરમાં PN માર્ગ પર નિયો સ્કવેર ખાતે બીજા માળે ઓફિસ ધરાવે છે અને પેલેસ ગ્રાઉન્ડ સામે અનમોલ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓએ 19 ઓક્ટોબરે રાત્રે નોંધાવેલી આ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાછલાં પોણાં બે વર્ષના સમયગાળા દરમિયાન તેઓ સાથે ચાર આરોપીઓએ આ છેતરપિંડી આચરી છે.
આનંદભાઈએ ફરિયાદમાં કહ્યું છે કે, કચ્છના કંડલા પોર્ટ નજીક વારસામેડી ખાતે બાગેશ્રી ટાઉનશિપમાં રહેતાં રાજ કૈલાશકુમાર નામના શખ્સે ફરિયાદી આનંદભાઈની ઓળખાણ ઘણાં મહિનાઓ અગાઉ સંદીપ શર્મા નામના એક બિઝનેસમેન સાથે કરાવી હતી. સંદિપ અમદાવાદ ખાતે એ.આર.નેચરલ રિસોર્સિસ નામની કંપની ચલાવે છે એવું રાજે ફરિયાદીને કહેલું.ત્યારબાદ એવી વાત થઈ હતી કે, સસ્તા કોલસાનો વેપાર ગોઠવી શકાય એમ છે અને એડવાન્સ પેમેન્ટની જવાબદારી મારી એવી ખાતરી રાજ નામના શખ્સે ફરિયાદીને આપેલી. આ વાતચીત બાદ ફરિયાદી આનંદભાઈની પેઢી ઈમ્પિરિયલ ફયૂએલના બેંક ખાતાંમાંથી કટકે કટકે રૂ.39,54,008 અન્ય આરોપીઓ અંબિકા સંદીપ શર્મા અને રેણુકા મનોજ શર્માના ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં. આ બંને મહિલાઓ અમદાવાદનું સરનામું ધરાવે છે. આ બંને મહિલાઓ સંદીપ શર્માની પેઢી એ.આર.નેચરલ રિસોર્સિસ, અમદાવાદ સાથે સંકળાયેલી છે અને તેનાં બેંક ખાતાંઓમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવેલી.
દરમિયાન, આ ચીટરોએ ફરિયાદી આનંદભાઈને કટકે કટકે કુલ રૂ.16,08,808 નો કોલસો આપ્યો હતો. અને આનંદભાઈએ એડવાન્સ પેટે ચૂકવેલાં નાણાં પૈકી બાકીના રૂ.23,45,200 આનંદભાઈને પરત આપવા ન ઇચ્છતા આ આરોપીઓએ આનંદભાઈને આ નાણાંના બદલામાં કોલસો પણ ન મોકલ્યો.બાદમાં રકઝકના અંતે સંદીપ શર્માએ પોતાની પેઢીના ત્રણ ચેક ફરાયાદીને આપ્યા અને વચેટિયા રાજ નામના શખ્સે ફરિયાદીને એવો ભરોસો આપ્યો કે, તમને બાકી રોકાતી રકમ પેટે રૂ. 8 લાખનો કોલસો મોકલી આપવામાં આવશે. આ પ્રકારનું સમજૂતી લખાણ પણ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે થયું.
ત્યારબાદ પાકતી મુદતે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતાં ફરિયાદીને જાણ થઈ કે, સંદીપે આપેલાં ચેકમાં સાઈન ખોટી છે તેથી ચેક બેંકમાંથી પરત આવ્યા. આમ ફરિયાદીને નાણાં પણ પરત ન મળતાં અને વાયદા મુજબનો કોલસો પણ ન મળતાં, તેમજ આરોપીઓ ફરિયાદીનો ફોન પણ રિસિવ કરતાં ન હોય, ફરિયાદીએ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત, ખોટા ડોક્યુમેન્ટ ને સાચા તરીકે બતાવવા સહિતની એટલે કે ઠગાઈની ફરિયાદ દાખલ કરાવી છે.