Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના તાલુકા મથક ધ્રોલના પોલીસ સ્ટેશનમાં હત્યાનો એક અજીબ કિસ્સો નોંધાયો. 15 વર્ષની એક સગીરાને તેનાં સગા ભાઈબહેને મારી નાંખી હોવાનું પોલીસમાં જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ પરિવાર દાહોદનો શ્રમજીવી પરિવાર છે, જે અહીં ખેતમજૂરી કરે છે. ધ્રોલ પોલીસના કહેવા મુજબ, પુખ્ત વયના એક શ્રમિક તથા તેની સગીરા બહેને સાથે મળીને, પોતાની એક નાની બહેનને અંધશ્રધ્ધાને કારણે મારી નાંખી છે !
આ મામલાની જાહેર થયેલી વિગતો અનુસાર, ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વાડી વિસ્તારમાં એક ખેડૂતની વાડીમાં દાહોદના એક શ્રમજીવી પરિવારના ત્રણ સભ્યો વસવાટ કરે છે. જેમાં પુખ્ત ઉંમરનો એક યુવાન અને તેની બે નાની સગીર બહેનો છે. યુવાનનું નામ રાકેશ છગન તડવી છે, નાની 15 વર્ષની મૃતક નાની બહેનનું નામ શારદા છે.
હજામચોરા પંથકમાં આ મામલાએ ચકચાર જગાવી તેનું કારણ એ છે કે, પોલીસના જણાવ્યા અનુસાર- રાકેશ અને તેની બહેને પોતાની નાની બહેન શારદાને છરી અને લાકડી વડે મારી નાંખી છે! એમ કહેવાય છે કે, આ હત્યા અંધશ્રધ્ધાને કારણે થઈ છે! રાકેશ અને તેની સગીરા બહેનને એવી શંકા હતી કે, તેની નાની બહેન કોઈ પ્રકારના જાદુટોનાથી તેઓને બંનેને એટલે કે રાકેશ અને પોતાની બહેનને મારી નાંખશે. જો કે તેમને આવી શંકા શા માટે પડી ? અને શારદા રાકેશ તથા પોતાની મોટી બહેનને મારી નાંખવા શા માટે ઈચ્છતી હતી ?! પોતાના સગા મોટા ભાઈબહેનને નાની બહેન શા માટે મારી નાંખવા ઈચ્છે ? ભાઈબહેનો વચ્ચે એવું શું બની ગયું હતું ?! વગેરે પ્રશ્નોના જવાબ આ સ્ટોરીમાં જાહેર થવાના બાકી છે !
જાહેર એવું થયું છે કે, રાકેશ તથા તેની બહેને આ શંકાના આધારે જ છરી અને લાકડી વડે શારદાને પતાવી દીધી. પોલીસે છરી તથા લાકડી કબજે લીધાં છે. પોલીસે એવું પણ જાહેર કર્યું છે કે, શારદાની હત્યા બાદ રાકેશ અને તેની અન્ય બહેન માતાજી સન્મુખ રાતભર ધૂણી રહ્યા હતાં! ( આ લોકોને ધૂણતાં કોણે જોયાં?!)
પોલીસે પંદર વર્ષની શારદાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરે કાનૂની વિધિઓ પતાવી છે. મૃતકના મોટા ભાઈબહેન રાકેશ તથા તેની સગીરા બહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે. રાકેશની અટકાયત થઈ છે. તેની બહેન સગીર હોવાથી તેણીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. રાકેશ, તેની બહેન અને શારદાની ઝૂંપડી અથવા ઓરડી ખેડૂત બિપીન ગોપાલભાઈ બારૈયાની વાડીમાં છે, જયાં આ શ્રમિકો ખેતમજૂરી કરે છે. વાડીમાલિક બિપીનભાઈને આ કેસમાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ ધ્રોલ પોલીસ ચલાવી રહી છે.