Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકે બનેલા હત્યાના એક બનાવે સમગ્ર પંથકમાં ચકચાર અને અરેરાટી મચાવી દીધી છે. એક શખ્સે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકાના આધારે પોતાના ફૂલ જેવા માસૂમ બાળકને મારી નાંખ્યો હોવાનું પોલીસમાં જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ બનાવની ટૂંકી વિગતો એવી છે કે, ગત્ 19 સપ્ટેમ્બરે એવું જાહેર થયું હતું કે, 4 વર્ષનો એક બાળક પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યો છે. આ મામલો અકસ્માત નહીં પણ હત્યાનો છે એ મતલબની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સમક્ષ જાહેર થઈ છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યે, ધ્રોલના વતની અને મોરબીમાં ફળોનો વેપાર કરી રહેલાં દેવીપૂજક ભૂપતભાઈ ભીખાભાઈ સોલંકીએ એવું જાહેર કર્યું છે કે, ધ્રોલમાં ચામુંડા પ્લોટમાં રહેતાં તેના એટલે કે ફરિયાદીના ભાઈ મુન્નાભાઈ ભીખાભાઈ સોલંકીએ પોતાના ચાર વર્ષના બાળક ક્રિષ્ના મુન્નાભાઈ સોલંકીની પાણીમાં ડૂબાડી હત્યા નિપજાવી છે !
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી મુન્નાભાઈ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકાઓ કરી રહ્યો છે. ત્રણ ચાર દિવસ અગાઉ આ મુદ્દે પતિ પત્ની વચ્ચે તકરાર પણ થઈ હતી. ત્યારે આરોપી મુન્નાએ પોતાની પત્નીને કહેલું કે, ક્રિષ્ના નામનો આ ચાર વર્ષનો છોકરો પોતાનો નથી. પત્નીના ચારિત્ર્ય અંગે આરોપી અવારનવાર પત્ની તથા પરિવાર સાથે ઝઘડા કરતો. આરોપીએ ચાર દિવસ અગાઉ પત્નીને એવી પણ ધમકી આપી હતી કે, પોતે છોકરાવને મારી નાંખશે અને જાતે પણ મરી જશે. ત્યારબાદ જાહેર થયેલું કે, આરોપીનો પુત્ર પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યો છે.
ફરિયાદી કહે છે: ચાર વર્ષનો ક્રિષ્ના સ્મશાન નજીકના તળાવમાં પડી ગયો ન હતો પરંતુ આરોપી મુન્નાએ પોતાના આ પુત્રને પાણીમાં ડૂબાડી દીધો હતો. આ બનાવ 18 સપ્ટેમ્બરે મોડી રાત્રે અઢી વાગ્યા આસપાસ બન્યો હોવાનું ફરિયાદીએ જાહેર કર્યું છે. અને 19 સપ્ટેમ્બરે સવારમાં આ બનાવ અંગે સૌને જાણ થઈ હતી. પોલીસે ફરિયાદના આધાર પર આરોપી મુન્નાભાઈ વિરુદ્ધ પુત્રની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.