Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામથકે વસવાટ કરતી એક મહિલાએ ટ્રિપલ તલ્લાક મામલે પોતાના જૂનાગઢ ખાતે રહેતાં પતિ વિરુદ્ધ FIR દાખલ કરાવતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ધ્રોલ શહેરની રઝવી સોસાયટીમાં રહેતાં યુસુફભાઈ પોપટપૌત્રાની પુત્રી હીનાબેનના નિકાહ જૂનાગઢ ખાતે થયેલાં છે. તેનાં પતિનું નામ કુદુસભાઈ મામદભાઈ ખાણિયા છે. જેઓ મેમણ સમાજના છે અને જૂનાગઢમાં જાલપા રોડ પર ઉધીવાડામાં વસવાટ કરે છે.
હીનાબેન યુસુફભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પાંચમી સપ્ટેમ્બરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પાછલાં દોઢ વર્ષ દરમિયાનના સમયગાળામાં તેણીના પતિ કુદુસભાઈએ તેણીને લેખિતમાં તલ્લાક આપી દીધાં છે. પતિએ ત્રણ તલ્લાક આપ્યા છે અને લગ્નના હક્કો પૂરાં કરવાની આ રીતે જાહેરાત કરી છે જે કાયદા વિરુદ્ધની હોય આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ધ્રોલ પોલીસે મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હક્કોના રક્ષણ બાબત અધિનિયમ-2019ની કલમ 3 હેઠળ આ ફરિયાદીના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરતાં જૂનાગઢ અને જામનગરમાં મેમણ સમાજમાં ચર્ચાઓ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કાયદો બન્યો તે પહેલાં મુસ્લિમ મહિલાઓને આ રીતે ત્રણ વખત બોલી કે લખીને તલ્લાક આપી શકાતાં હતાં. હવે આ ટ્રિપલ તલ્લાક આ કાયદા અનુસાર ગુનો બને છે. જો કે તેમાં ફરિયાદ દાખલ થાય તો જ ગુનો બને. અને પોલીસ વૉરંટ વિના આરોપીની ધરપકડ કરી શકે છે. આરોપીને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ મુસ્લિમ મહિલા કાયદા મુજબ ભરણપોષણ મેળવવા પણ હક્કદાર બને છે.