Mysamachar.in:જામનગર
જામનગરમાં ગતરોજ બપોરના સુમારે નાગેશ્વર કોલોની વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના મામલામાં 2 શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે, તેમાં મૃતકના પિતા દ્વારા જાહેર થયેલ વિગતો એવી છે કે આજથી આશરે એકાદ મહીના પહેલા ફરીયાદી મનસુખભાઈ ઢાપાના નાના ભાઇ પ્રવિણભાઇના દિકરા ગૌતમને હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઇ ઉર્ફે મનાભાઇ ડોણાસીયાના મિત્ર કારા સાથે બોલાચાલી થયેલ હોય ત્યારે ફરીયાદી મનસુખભાઈના દિકરા સંજયભાઇએ ગૌતમનો પક્ષ લઇ વાત-ચીત કરવા ગયેલ હોય અને હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઇ ઉર્ફે મનાભાઇ ડોણાસીયાના તેના મિત્ર કારાનો પક્ષ લઇ આવેલ હોય અને બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઇ જતા પોલીસ કાર્યવાહી કરેલ ન હોય ત્યારે ફરીયાદીના દિકરા સંજય તથા આરોપી હિતેશ વચ્ચે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી ગતરોજ હિતેશ ફરીયાદીના ઘરની સામે આવી રોડ પર ઉભો રહી ફરીયાદી એવા મૃતકના પિતા તથા તેના દિકરા સંજયને ભુંડી ગાળો આપવા લાગતા મૃતક સંજય ઘરની બહાર નિકળતા તેને છરી વડે આડેઘડ માર મારી માથાના ભાગે,ડાબી તરફ છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા તેનું મોત નીપજ્યું હતું.
તેમજ આ હત્યાના ગુન્હામાં અજય મનસુખભાઇ ઉર્ફે મનાભાઇ ડોણાસીયા રહે. નાગેશ્વર કોલોની, નાથાભાવાળાએ ફરીયાદી મનસુખભાઈને લોખંડના પાઇપ વડે વાસાના ભાગે માર મારી મુંઢ ઇજા કરી બંન્ને આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કર્યા સબબની ફરિયાદ પરથી સીટી બી ડીવીઝન પી.આઈ.એચ.પી.ઝાલા આ અંગેની વધુ તપાસ ચલાવી રહ્યા છે.