Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજયમાં દારૂબંધી છે પણ છતાં નશાના સામાનનો વેપાર કરનાર અને પીનારા અવનવી વ્યવસ્થાઓ કરતા હોય છે. તેવામાં છેલ્લા કેટલાક સમયથી આર્યુવેદિક પીણાની આડમાં નશાયુકત બોટલો માર્કેટમાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યાની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, પણ દેવભૂમિ દ્વારકા પોલીસે તો આ ફેક્ટરીને જ ઝડપી પાડી છે, નશાના કારોબારને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નના ભાગરૂપે..
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તરફથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં થઇ રહેલ આલ્કોહોલ યુકત પીણાના વેપાર સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવા સબબે આપેલ માર્ગદર્શન અને સુચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક રાધવ જૈન, નાયબ પોલીસ અધિક્ષક ડો.હાર્દિક પ્રજાપતિ સહિત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલના સીધા નેતૃત્વમાં દેવભૂમિ દ્વારકા પોલીસને રાજ્યની મોટી કહી શકાય તેવી સફળતા આયુર્વેદિક દવાની આડમાં દારૂને લઈને મળી છે. અને આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આજે આ અંગે સાંજે નિતેશ પાંડેયએ પત્રકાર પરિષદ સંબોધી સિલસિલાબંધ વિગતો જાહેર કરી છે.
ગત તા.26/7/2023ના રોજ રાત્રિના સમયે એલસીબીના પીએસઆઈ બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો દ્વારા નાઇટ દરમ્યાન એક શંકાસ્પદ હાલતનુ આઇસર કે જેમાં 4000 જેટલી આયુર્વેદીક પીણાની બોટલો કી.રૂ.5,96,000/- (સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત) ઝડપી પાડી આઇસર મળી કુલ રૂ. 8,96,000/- ની મતાનો શકમંદ હાલતનો મુદ્દામાલ હસ્તગત તપાસ કરતા જેમાં મુખ્ય સુત્રધાર ભરતભાઇ નકુ તથા ચિરાગ થોભાણી, સુરેશભાઇ ભરવાડ તથા સિધ્ધરાજસિંહ ઝાલાઓ દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરેલ હોવાનુ ઉજાગર થતા આ પ્રકારની આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન કરતી ફેકટરી ઉપર દરોડા પાડી મોટી માત્રાનો અનઅધિકૃત હાલતનો જથ્થો સીઝ કરી ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં રાજય સરકારની સબંધિત કચેરી તરફથી ઇસ્યુ કરવામાં આવતા કાયદેસરના કોઇ પણ પરવાના ધારણ કર્યા સિવાય આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ આચરતા હોવાનુ જણાય આવેલ છે.
ખંભાળીયા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ભાણવારી ગામના પાટીયા નજીક આવેલ અકરમ નજીર બાનવા નાઓની કબજા મોવવટાની દુકાનમાંથી આ જ પ્રકારનો આયુર્વેદિક સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત દવાની આડમાં ગેરકાયદેસર વેચાણ અર્થે સંગ્રહ કરી રાખેલ આલ્કોહોલ યુકત પીણાની કુલ 15624 નંગ બોટલો આશરે કી.રૂ. 26,28,4564 ની મતાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ
જેની તપાસની કાર્યવાહી દરમ્યાન આ જથ્થો અકરમ પોતે સહિત પોતાના પાર્ટનર ચિરાગ થોભાણીએ ભેગા મળી પોતે રાજય સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ નિયત નમૂનાનુ SA – 2 મુજબનુ કોઇ લાયસન્સ ધારણ કરતા ન હોવા છતા ખોટા દસ્તાવેજો ઉભા કરી પંજાબ રાજયના સંગુર જિલ્લા ખાતે આવેલ પંકજ ખોસલાની માલિકીની નારાયણી હર્બલ ફેકટરી ખાતેથી મંગાવી તેનું વિતરણ કરનાર હોવાની હકિકત ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધમાં ખંભાળીયા પો.સ્ટેશનમાં ઇપીકો 467,468,471,120(બી) તથા ગુજરાત નશાબંધી અધિનિયમની કલમ 67(એ) મુજબ ગુનો દાખલ કરી ઉકત ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવેલ.
આ આલ્કોહોલ યુકત પીણાની બોટલો પંજાબ રાજયના સંગુર ખાતે આવેલ નારાયણી હર્બલ નામની ફેકટરીમાં તૈયાર થતી હોવાનું જણાઇ આવતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાડેય દ્વારા પોતાની આગવી સુઝનો ઉપયોગ કરી સમય સુચકતા દાખવી તાત્કાલીક ધોરણે અનુભવી પોલીસ કર્મચારીઓની ટીમો તૈયાર કરી પંજાબ રાજયના સંગુર ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને તેઓ દ્વારા મુખ્ય આરોપી પંકજ ખોસલા મળી આવતા તેઓની ગુનાના કામે વિધિવત ધરપકડ કરવામાં આવેલ. તેઓ પોતે હિમાલયા કંપનીમાં ત્રણેક વર્ષ નોકરી કર્યા બાદ તેઓને મળેલ અનુભવ આધારે પોતાના ટુંકાગાળામાં મહતમ આર્થિક લાભ મેળવવાના આશયને પરીપૂર્ણ કરવા સારૂ પોતે પંજાબના સંગુર ખાતે એક નારાયણી હર્બલ નામની આયુર્વેદિક દવા બનાવવાની ફેકટરીની સ્થાપના કરેલ, જેમા પોતે અમુક બ્રાન્ડની આયુર્વેદિક દવાઓ પણ બનાવેલ,
સાથોસાથ પોતે છેલ્લા આશરે એકાદ દોઢ વર્ષથી ગુજરાત રાજયના અમુક ગુનાહિત માનસ ધરાવતા લોકોના સંપર્કમાં આવી પોતે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં ફકત આલ્કોહોલ યુકત પીણાનું ઉત્પાદન કરી ફકત ગુજરાત રાજયને ટાર્ગેટ કરી વેચાણ કરી રહેલ. પરંતુ દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની દુરદેશી સમાજ હિતકારક દ્રષ્ટિ તથા કામ પ્રત્યેની સતર્કતાને લીધે આ પ્રકારે આંતરરાજય ગેંગ દ્વારા થઇ રહેલ નશાના કારોબારનો પર્દાફાશ કરી તેઓની ગુનાહિત પ્રવૃતિને વેગવતિ બનતી અટકાવવામાં સફળતા મળેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પંજાબ ખાતેની નારાયણી હર્બલ ફેકટરીમાં કરવામાં રેઇડ દરમ્યાન આશરે ૬૫૦૦ લિટર જેટલો ઇથાઇલ (આલ્કોહોલ)નો જથ્થો મળી આવેલ જેનાથી તેઓ આયુર્વેદિક દવાની આડમાં આ જ પ્રકારની આશરે 2 થી 2.5 લાખ જેટલી આલ્કોહોલ યુકત પીણાની બોટલો તૈયાર કરી ગુજરાત રાજયમાં સપ્લાઇ કરનાર હતા. જે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અટકાવવામાં આવેલ છે. આ ઉપરાંત નારાયણી હર્બલ ફેકટરીના માલિક સંચાલકો વિરૂધ્ધ ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવા સબબે પંજાબ ખાતેની સબંધિત સરકારી કચેરીઓને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
-ચિરાગ લીલાધરભાઇ થોભાણી રહે. બંગલાવાડી ખંભાળીયા
-અકરમ નજીરભાઇ બાનવા રહે શકિતનગર ખંભાળીયા
-પંકજ બ્રિજમોહન ખોસલા રહે. પ્રતાપનગર તા.જી. સંગુર (પંજાબ)
-કેવી છે મોડસ ઓપરેન્ડી.
નારાયણી હર્બલ ફેકટરીના નામથી આરોપી પંકજ ખોસલાએ પંજાબ સરકારના નીતિનિયમો મુજબના અમુક ચોકકસ પ્રકારની આયુર્વેદિક પ્રોડકટ તૈયાર કરવા માટેના લાયસન્સો મેળવવામાં આવેલ જેનો હેતુફેર કરી પોતે આલ્કોહોલ યુકત પીણું તૈયાર કરી ગુજરાત રાજયને ટાર્ગેટ કરી મહતમ માત્રામાં આ પ્રકારની આલ્કોહોલ યુકત પીણાની બોટલોનુ વેચાણ કરી રહેલ હતા.