Mysamachar.in:જામનગર
જામનગરનાં વાલસુરા રોડ પર કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કેટલાંક યુવક તથા યુવતીઓએ સામૂહિક નૃત્ય કર્યું હતું. એ પ્રકારનો વીડિયો છેલ્લાં બે દિવસથી શહેરમાં વાયરલ થતાં સ્થાનિક પોલીસ દ્વારા આ મુદ્દે કેસ નોંધવામાં આવ્યો છે અને એક ગરબા ક્લાસના બે સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે.
જામનગર પોલીસે જાહેર કર્યું છે કે, શહેરનાં કેટલાંક જાગૃત નાગરિકો અને સોશિયલ મીડિયા મોનિટરીંગ દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગર શહેરનાં બેડીબંદર રોડ પર અન્ય નાગરિકોને પડતી અગવડોની અવગણના કરીને તથા ગંભીર અકસ્માતની શકયતા રહે તે રીતે રોડ સેફ્ટી નિયમનો ભંગ કરીને એક યુવા ગ્રુપ રોડ પર ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યું હતું. જે બાબતે તપાસ કરીને આ ગરબા ગ્રૂપના સંચાલક અને કોરિયોગ્રાફર વિરૂદ્ધ જામનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસે જણાવ્યું છે કે, સહેલાઈથી પ્રસિદ્ધિ મેળવી લેવાનાં મોહમાં કાયદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. અને સોશિયલ મીડિયાનાં ઉપયોગ સમયે નિયમોનું પાલન કરવું આવશ્યક છે. પોલિસે બે શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે યશ વિપુલભાઈ ભણસાલી-વાણિયા તથા રાજદીપસિંહ દેવુભા રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી યશ રાજપૂત સમાજની વાડીમાં ચાલતાં ગરબા ક્લાસનો કોરિયોગ્રાફર છે. અને રાજદીપસિંહ પાંચ વર્ષથી દાંડિયારાસ શીખે છે તથા ખાનગી નોકરી કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વાલસુરા રોડ પર કોઈ ટુ વ્હીલર ચાલક નીકળે છે ત્યારે પોલીસ આ વિસ્તાર પ્રતિબંધિત હોય તે રીતે ચાલકની આકરી પૂછપરછ કરે છે. પરંતુ આવડો મોટો ખેલ પોલીસની જાણ બહાર કેવી રીતે પડી ગયો ?! એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. બીજો મુદ્દો એ છે કે, આ રોડ પરથી લોડેડ ભારે વાહનો દિનરાત પસાર થતાં હોય છે, ધારો કે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો ? કોની જવાબદારી ફિકસ થઈ હોત ?! એ પ્રશ્ન પણ ગંભીર લેખાવી શકાય.