Mysamachar.in:જામનગર
જામનગરમાં વધુ એક શરમજનક ઘટના નોંધાવા પામી છે. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનાં એક વિભાગમાં આ ઘટના બનતાં શહેર સહિત સમગ્ર હાલારમાં ચકચાર મચી છે. કેમ કે, આ સંસ્થા મહિલા અને બાળસંરક્ષણ ક્ષેત્રે જાણીતી છે. પરંતુ આ સંસ્થામાં જ એક સગીરાની સુરક્ષા જોખમાતા અને આ પ્રકરણમાં ખુદ સુરક્ષા અધિકારીનું નામ જાહેર થતાં સનસનાટી મચી ગઇ છે.
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થામાં હોમ ફોર ચિલ્ડ્રન નામનો એક પેટાવિભાગ આવેલો છે, જ્યાં 18 વર્ષથી નીચેની બાળાઓની દેખભાળ કરવામાં આવે છે. પરંતુ આ સંસ્થામાં ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ પોતાના પદને લાંછન લગાડ્યું હોવાનું જાહેર થયું છે ! એવું જાહેર થયું છે કે, મહેન્દ્ર રણછોડ પટેલ નામનાં આ અધિકારીએ હોમ ફોર ચિલ્ડ્રનમાં સાડા સોળ વર્ષની એક સગીરાને એમ કહ્યું કે, મારી આંખોમાં આંખો પરોવી જો ! અને બાદમાં એકાંત સ્થિતિમાં, આ અધિકારીએ સગીરાનો હાથ પકડી લીધો હતો અને તેણી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું એવું આ સગીરાએ પોલીસમાં જાહેર કર્યું છે.
બાદમાં, સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે આ અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ પી.એચ.ઝાલાનો સંપર્ક સાધી આ અધિકારી વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું હતું અને વિધિસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અધિકારી વિરુદ્ધ આઈપીસીની કલમ-354(ક) તથા પોકસો એક્ટની કલમ-12 તેમજ જુવેનાઈલ જસ્ટિસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ અધિકારીની કાલે ગુરુવારે અટકાયત કરી લીધી હતી. અને ત્યારબાદ અધિકારીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે આ અધિકારીને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. આ સમગ્ર પ્રકરણને કારણે શહેરમાં ખાસ કરીને સરકારી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.