Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના લાલપુરના મુરીલા ગામે પિતરાઈ ભાઈએ ભાઈ પર જ ફાયરીંગ કર્યાનો કિસ્સો લાલપુર પોલીસ મથકે નોંધાયો છે, આ અંગેની વિગતો એવી છે કે મુરીલા ગામે વસવાટ કરતા ખીમા મેરામણભાઇ વસરા જેવો ખેતી તથા માલઢોરનું કામ કરે છે, તેના પર તેનાજ પિતરાઈ ભાઈ કે જેમની સાથે તેવોને બોલવાનો વ્યવહાર નથી તેને ફાયરીંગ કર્યાનું સામે આવ્યું છે. આ અંગેની પોલીસ મથકે જાહેર થયેલ વિગતો એવી છે ફાયરીંગ કરનાર આરોપી નારણના રહેણાંક મકાન પાસે ફરીયાદી ઈજાગ્રસ્ત ખીમાભાઇનો ભેંસો બાંધવાનો વાડો (પ્લોટ) આવેલ હોય આ વાડામાં ફરીયાદીના પત્ની તથા ઘરના સભ્યો ભેંસો દોવા માટે જતા હોય દરમ્યાન અવાર નવાર વાડાની દિવાલ પાસે ઉભીને તેમાં આરોપી ડોકા કાઢતો હોય જે ફરીયાદી આરોપીને ગતરોજ જોઇ જતા અમારા વાડાની દિવાલ પાસે ઉભીને શું રોજ રોજ જુવે છે. એક વાર અહીં વાડાની અંદર આંટો મારીલે એટલે તારે રોજ રોજ જોવા આવવું ન પડે તેમ કહેતા આરોપી ઉશ્કેરાયો હતો અને ઘરે જતો રહયો હતો,
દરમ્યાન ગઇકાલે આરોપી પોતાના ઘરેથી દેશી તમંચા જેવું હથીયાર લઇ આવીને ફરીયાદી ખીમાભાઇ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં સામે મળી જતા તમંચા જેવા હથીયારથી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે લમણા તરફ હથીયાર તાકી ફાયરીંગ કર્યુ હતું. આ વેળાએ ફરીયાદી ખીમાભાઇએ પોતાનો હાથ લમણા તરફ રાખતા હથીયારમાથી છુટેલ છરા ફરીયાદીને હાથની કોણીના નીચેના ભાગે પોચા ઉપર અને એક છરો ગળાના ભાગે લાગ્યો હતો,. ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, સમગ્ર મામલે લાલપુર પોલીસે આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.