Mysamachar.in-જામનગર:
ગતરાત્રીના એટલે કે શુક્રવારે રાત્રે 12:30 આસપાસ અંદાજે પચાસેક જેટલાં માલધારીઓનુ ટોળું જામનગર મનપાના સોનલનગર સ્થિત ઢોર ડબ્બા ખાતે પહોચ્યું હતું અને બેરીકેડમાં તોડફોડ કરી નાંખી હતી. જેને કારણે પૂરાયેલા પશુઓ સમગ્ર વિસ્તારમાં દોડી ગયા હતાં. આ આખી ધમાચકડી દરમિયાન ડબ્બામાં બંધ કરાયેલાં 316 પૈકી 164 ઢોર નાસી છૂટયા હોવાનું સોલિડ વેસ્ટ વિભાગનાં અધિકારી મુકેશ વરણવાએ માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. જે બાદ આ સમગ્ર મામલે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ડબ્બા પરના હાજર સિક્યુરીટી ગાર્ડે ફરિયાદ નોંધાવી છે તે પ્રમાણે..
વનરાજસિંહ બાબભા જાડેજા નામના સિક્યુરીટી ગાર્ડ ડબ્બા ખાતે હાજર હતા ત્યારે રોહીત સરવૈયા, નાગરાજ મોરી, ધેટો ભરવાડ, નવધણ રબારી અને અન્ય બીજા 11 માણસોએ અગાઊથી પૂર્વયોજિત કાવતરુ અને ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ધોકાઓ સાથે ધરારનગર પાવર હાઉસ વાળા આવાસની સામે આવેલ મહાનગરનગરપાલીકાના ઢોરના વાડામા જ્યા જપ્ત કરેલા ઢોર રાખેલ હોય ત્યા ગુનાહીત અપ પ્રવેશ કરી ફરિયાદી સિક્યુરીટી ગાર્ડને ધાક ધમકી આપી તેમજ અન્ય સ્ટાફના માણસોને લાકડાના ધોકા દેખાડી ભય મા મુકી ત્યા રાખેલ 162 ઢોર બળજબરી પુર્વક છોડાવી લઈ ગયા સબબની ગુન્હાહિત કાવતરું, રાયોટીંગ, ગેરકાયદે અપપ્રવેશ સહિતની અલગ અલગ કલમો હેઠળ સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.