Mysamachar.in-જામનગર:
આમ તો ગુજરાતમાં દારુબંધી છે, પણ કેટલીક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખુદ પોલીસ જ આવા દારુના ધંધા કરનાર સાથે મિલીભગત આચરે છે અથવા તો લાંચ લે છે જામનગર શહેરમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સીટી સી ડીવીઝન પોલીસ મથકની ખોડીયાર કોલોની પોલીસ ચોકીમાં ફરજ બજાવતો પોલીસ હેડ કોન્સ્ટેબલ 23000ની લાંચ લેતા એસીબીને હાથ ઝલાઈ ગયો છે જેને પગલે જામનગર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે.
સી ડીવીઝન ખોડીયાર ચોકીમાં ફરજ બજાવતો કેતનગીરી રતનગીરી ગોસ્વામી, હનુમાન ટેકરી, દશામાંના મંદિર પાછળ, ખુલ્લા ફાટક પાસેથી લાંચ લેતા ઝડપાયો તેમાં આ કેસના ફરિયાદી ઉપર દેશી દારૂનો નાનો કેસ બતાવી હેરાન પરેશાન અને તંગ નહીં કરવા માટે કેતનગીરીએ ફરિયાદી પાસે રૂ.40000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી, રકજકના અંતે રૂ.23000 આપવાનું નક્કી કરેલ જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. છટકા દરમિયાન કેતનગીરી હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ચુક્યો હતો આ સમગ્ર કાર્યવાહી મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી.