Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી અને તેમાં પણ ખાસ કરીને બોકસાઇટ ચોરી સંદર્ભે અગાઉ વગોવાયેલો બની રહ્યો હતો. આ વિસ્તારમાં ખનીજ ચોરી સંદર્ભે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકામાં આવેલી વર્તુ નદીમાંથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની ચોરી કરવા અંગેનું કારસ્તાન સામે આવ્યું હતું. જેમાં 780 મેટ્રિક ટન જેટલી રેતીની ચોરી સબબ બે શખ્સોના નામ ખુલ્યા પામ્યા છે. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂ. 73.87 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની નિતેશ પાંડેયની સુચના મુજબ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ એલ.સી.બી. પોલીસ દ્વારા કલ્યાણપુર પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની પંચકોરી સીમમાં આવેલી વર્તુ નદીમાં કેટલાક શખ્સો દ્વારા જેસીબી જેવા વાહનો મદદથી રેતી કાઢી અને ચોક્કસ સ્થળે સંગ્રહ કરી અને વેચાણ કરીને થતા ગેરકાયદેસર રીતે રેતીની ચોરી સંદર્ભે પોલીસ સ્ટાફ દ્વારા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
જિલ્લા ખાણ ખનીજ વિભાગ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકા તથા તેમની ટીમ સાથે વર્તુ નદીમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આ સ્થળેથી ગેરકાયદેસર રીતે રૂ. 1.44 લાખની 600 મેટ્રિક ટન રેતી તથા બીજા સ્થળે તે રૂપિયા 43,200 ની કિંમતની 180 મેટ્રિક ટન રેતીનો જથ્થો કાઢવામાં આવ્યો હોવાથી આ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.આ ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવેલું રૂપિયા 30 લાખની કિંમતનું હ્યુન્ડાઈ કંપનીનું હિટાચી- 210, રૂપિયા 12 લાખની કિંમતનું જેસીબી, રૂપિયા 8 લાખની કિંમતનું હાઈવા ડમ્પર તથા રૂપિયા 8 લાખની કિંમતનું વધુ એક રજીસ્ટ્રેશન નંબર ધરાવતું હાઈવા ડમ્પર, ત્રણ લાખની કિંમતનું સ્ક્રોટ કંપનીનું ટ્રેકટર, રૂપિયા છ લાખની કિંમતના મહેન્દ્રા કંપનીના બે ટ્રેકટર તથા રૂપિયા ત્રણ લાખની કિંમતનું આઇસર કંપનીનું ટ્રેકટર પણ આ સ્થળેથી કબજે લેવામાં આવ્યું હતું.
પોલીસે આ તમામ વાહનોનો કબજો મેળવી અને કલ્યાણપુર પોલીસને સોંપી આપવામાં આવ્યા છે.આ તોતિંગ રેતી ખનન તથા ચોરી પ્રકરણમાં રામભાઈ નાગાજણભાઈ ગોરાણીયા અને અરજણ લીલાભાઈ મોઢવાડિયા નામના બે શખ્સોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેથી એલ.સી.બી. પોલીસે સરકારી ખનીજની ચોરી કરવા સબબ આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને સોંપી, પોલીસ ફરિયાદ સહિતની તજવીજ કરવામાં આવી હતી.