Mysamachar.in-જામનગર:
જામનગરમાં કામદાર કોલોની જેવા પોષ વિસ્તારમાં આવેલ મયુરસાગર એપાર્ટમેન્ટના એક ફલેટમાં રહેતી મહિલા દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહયું હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે માતા પુત્રીઓ સહિત નવ મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.આ દરોડાની પોલીસ દફતરે જાહેર થયેલ વિગત એવી છે કે…
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલા મયુર સાગર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303 માં રહેતી ભારતીબા રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ ઝાલા નામની મહિલા દ્વારા પોતાના ફ્લેટમાં બહારથી અન્ય સ્ત્રીઓને એકત્ર કરીને જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી સીટી-સી ડિવિઝનના પોલીસ સ્ટાફને મળતાં ટીમે ઉપરોક્ત ફ્લેટ પર પહોંચી જઇ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન નવ મહિલાઓ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતાં મળી આવી હતી. આથી પોલીસે મકાનમાલિક ભારતીબા રાજેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત નીતાબેન રાજેશભાઈ પરેશા, સવિતાબેન મનુભાઈ પરેશા નામની માતા-પુત્રી, વનિતાબેન હિતેષભાઇ પરેશા ઉપરાંત સગુણાબેન પ્રવીણભાઈ ખાંડેખા, સોનલબેન જીવણભાઈ શાખરા, પુરીબેન જીવણભાઈ સાખરા નામની માતા-પુત્રી, પમીબેન રામભાઈ બારીયા, અને અફસાના બેન સીદીકભાઈ ખફી વગેરેની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા 38,900ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.