Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારુ ઘુસાડનારા તત્વો નિતનવા નુસખાઓ અજમાવી અને દારુ પ્યાસીઓ સુધી પહોચાડવામાં ક્યારેક સફળ તો ક્યારેક નિષ્ફળ થતા હોય છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે કાલાવડ પોલીસે આવો જ એક નુસખો નિષ્ફળ બનાવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ વખતે જંતુનાશક દવાની આડમાં દારુ ઘુસાડવાનો પેતરો હતો પણ તે નિષ્ફળ થઇ ચુક્યો છે, જામનગર જીલ્લાના કાલાવડ શીશાંગ ગામે બસ સ્ટેન્ડ પાસેથી એક માલવાહક વાહનમાં દારૂનો જથ્થો નીકળવાની બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. જેમાં બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી GJ-03-BV-5015 નંબરના વાહનને આંતરી લઇ પોલીસે તલાસી લીધી હતી. પરંતુ આ વાહનમાંથી જંતુનાશક દવાના પાર્સલ મળી આવ્યા હતા.
જે બાદ ચાલક મનોજ ઉર્ફે મનો રામજીભાઇ રાતડીયા રહે-કર્મચારી સોસાયટી શેરી નં-1, રાજકોટ વાળાએ આ જ જંતુનાશક દવાના બીલ પણ રજુ કરતા પોલીસને પણ એક તબક્કે એવું જ લાગ્યું કે આમાં તો જંતુનાશક દવા જ છે, જે બાદ પોલીસે દવાના પાર્સલોને ખોલીને ચેક કરતા તેની અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ દવાની આડમાં કુલ રૂપિયા 1,38,000ની કીમતનો 286 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો કબજે કરી આરોપીની પૂછપરછ કરી હતી. કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામે રહેતા આરોપી પ્રતીપાલસિંહ તથા દિપેન્દ્રસિંહ ઉર્ફે લાલો પરાક્રમસિંહ જાડેજા અને જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે રહેતા આરોપી ગીરીરાજસિંહ બળવંતસિંહ જાડેજા તેમજ શીવરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજાએ આ જથ્થો વેચાણ અર્થે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.