Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ભાણવડના રેલવે ફાટક વિસ્તારમાંથી જુદા-જુદા ચાર સ્થળોએ મંગળવારે રાત્રીના સમયે તસ્કરોએ સામૂહિક રીતે કરવામાં આવેલી ચોરીમાં કુલ 94 હજારની રોકડ રકમ ચોરી થવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઇ છે.આ અંગે ભાણવડમાં ભાણવડીયા કોલોની મેઇન રોડ પર રહેતા અને ગામના પાદરમાં રેલવે ફાટક પાસે ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ નામની ખોળ કપાસિયાની મીલ ધરાવતા ધ્વનિતભાઈ પ્રકાશભાઈ દાવડા નામના લોહાણા વેપારી યુવાને ભાણવડ પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં જાહેર થયેલી વિગત મુજબ મંગળવારે રાત્રીના આશરે સવા બાર વાગ્યાથી વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમની મીલમાં ત્રાટકી, તિક્ષણ હથિયાર વડે શટર તોડી, અંદર પ્રવેશ કર્યો હતો. અહીં ટેબલના ખાનામાં રાખવામાં આવેલી રૂપિયા સાત હજારની રોકડ રકમ તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા.
આ ઉપરાંત નજીકમાં વ્રજલાલભાઈ નામના એક આસામીની આવેલી અરમાન ઇન્ડસ્ટ્રીઝની ઓફિસની બારીની ગ્રીલ તોડી અહીંથી રૂ. 43 હજાર રોકડા , જ્યારે અન્ય એક આસામી સુરેશભાઈ કરંગીયાની ખોળ કપાસિયાની મિલની ઓફિસનો દરવાજો તોડી રૂપિયા 27 હજાર રોકડા ઉપરાંત અન્ય એક વેપારી એવા હાલાર એગ્રીટેકના માલિક ગોગનભાઈ નાંદાણીયાની ઓફીસમાંથી રૂપિયા 17 હજારની રોકડ રકમ પણ તસ્કરો ચોરી કરીને લઇ ગયા હોવાનું વધુમાં જાહેર થયું છે.આમ, જુદા જુદા સ્થળોએથી કુલ રૂપિયા 94,000 ની ચોરી થવા ઉપરાંત આ વિસ્તારમાં અન્ય એક વેપારી તૈયબઅલી ઈબ્રાહીમજી તથા ખોજા બહાદુરભાઈ ઉપરાંત અતુલભાઈ કવૈયા અને વિનયન સરકારી કોલેજની ઓફિસની બારીમાં પણ હથિયારો વડે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું વધુમાં જાહેર થયું છે.આમ, ચાર સ્થળોએથી કરવામાં આવેલી ચોરી તથા અન્ય સ્થળોએ કરાયેલા ચોરીના પ્રયાસ સંદર્ભે ભાણવડ પોલીસે ધ્વનિતભાઈ દાવડાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 380, 457, 511, તથા 114 મુજબ ગુનો નોંધી, આ વિસ્તારના સીસીટીવી કેમેરા તથા અન્ય બાબતોને ધ્યાને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.