Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ મોટી ઘટના બની છે, થોડા દિવસો પૂર્વે ભાણવડમાં પણ પરપ્રાંતીય ટોળકીએ લાખોની લુંટને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હતો ત્યાં જ વધુ એક હત્યાની વારદાત સામે આવતા પોલીસ ફરી ધંધે લાગી છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ કલ્યાણપુરમાં પીપળા શેરીમાં રહેતા જયાબેન ભોગાયતા નામના 65 વર્ષીય વૃદ્ધાનો મોડીસાંજે ઘર પાસે અવાવરૂ મકાનમાંથી માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. મૃતક વૃદ્ધા અને તેમના વયોવૃદ્ધ પતિ બન્ને સાંજે ગામમાં હટાણું કરવા માટે ગયા હતા ત્યારબાદ વૃદ્ધા ઘરે પરત ફર્યા હતા. જ્યારે તેમના પતિ બજારમાં થોડીવાર રોકાયા બાદ મોડેથી ઘરે પહોંચી દરવાજો ખખડાવતા કોઈ જવાબ મળ્યો ન હતો જેના પગલે વૃદ્ધ સહિતના આજુબાજુના લોકોએ તપાસ કરતા ઘરના ફળિયા પાસેના અવાવરૂ મકાનમાંથી માથાના ભાગે ગંભીર ઈજા પામેલા વૃદ્ધાનો મૃતદેહ નજરે પડ્યો હતો. મૃતક વૃદ્ધાના પુત્ર દ્વારા અજાણ્યા ઈસમો હત્યા કલમ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.