Mysamachar.in-જામનગર
આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જો સાવધાની ના વર્તી તો ગયા સમજો…કારણ કે ગઠિયાઓ તમે જરાક ચૂક કરો તેની રાહ જોઇને જ બેઠા હોય છે, આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે, જામનગરમાં બ્રાસ સ્કેપ સાથે સંકળાયેલી એક પેઢી અને તેની સાથે વેપાર કરતા અન્ય બે ધંધાર્થીઓના ઇમેઇલ આઇડી હેક કરીને એક કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,
શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને જીઆઇડીસી-3માં મીરા ઇમ્પેકસ નામની સ્ક્રેપ આયાત કરી કમિશનની વેચાણ કરતી પેઢી ધરાવતા હિતેશ કનખરા લાંબા સમયથી ઇગ્લેન્ડની યુરોપીયન મેટલ રીસાયકલીંગ લીમીટેડ નામની કંપની સાથે બ્રાસના સ્ક્રેપનો વ્યવસાય કરે છે, બન્ને પેઢીઓ સાથે ઓર્ડર ઓનલાઇન થતાં હોય છે.
આ રીતે થતા વ્યવહારો વચ્ચે તાજેતરમાં હિતેશભાઇની પેઢીના ઇમેઇલ આઇડી અને યુકેની કંપનીનું મેઇલ આઇડી હેક કરી કોઈ ઠગબાજોએ તરકટ રચ્યું જેમાં યુકેની કંપનીનો લોગો સહિતની ફોર્મેન્ટવાળો મેઇલ કરી બ્રાસ સ્કેપ અંગેનો મેઇલ કર્યો હતો. જેને લઇને હિતેશભાઇએ પોતાની જરૂરીયાત મુજબ સ્ક્રેપનું કન્ટેનર મંગાવ્યું હતું. જેને લઇ હેકરે મેઇલમાં નકકી થયા મુજબ પોતાના બેંકની વિગતો આપી હિતેશભાઇ પાસેથી 20 ટકા પેમેન્ટ એડવાન્સ મંગાવી લીધું હતું.
ત્યાર બાદ હિતેશભાઇને ગત તા. 4ના રોજ ફરી કંપની તરફથી મેઇલ આવ્યો હતો અને નવા એકાઉન્ટમાં 80 ટકા રકમ ભરપાઇ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઇને હિતેશભાઇએ પોતાના સાથે ઓર્ડર આપનાર કેતન વેલજીભાઇ ગોરીના દિપ મેટલના નવા બેંક એકાઉન્ટમાં 83318 ડોલર જે રૂપિયામાં 61,1300નું પેમેન્ટ કરાવી દીધું હતું,
આ ઉપરાંત મીરા ઇમ્પેકસના જણાવ્યા અનુસાર અન્ય પાર્ટી જલારામ મેટલ એલઓઇસના માલીક મેહુલ જોબનપુત્રાએ 63,683 ડોલર જે ભારતીય રૂપિયા મુજબ 47,97,000 ભરી દીધા હતાં ત્યાર બાદ આર્થિક વ્યવહાર થયાની યુકેની મુળ કંપનીના જવાબદાર કર્મચારીઓને પેમેન્ટની રીસીપ્ટ વોટસએપમાં મોકલતા છેતરપીંડી સામે આવી હતી. જે બાદ મિતેશભાઇએ પોતાનો ઇમેઇલ અને બ્રિટનની કંપનીનો મેઇલ હેક થયાની જાણ થઇ અને કુલ રૂપિયા 1,07,86,100ની છેતરપીંડી થતાં પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ થઇ છે.આ ઘટનામાં પોલીસ તો તપાસ કરી રહી છે, પણ આજના આધુનિક સમયમાં કોઈપણ વ્યવહારો ભલે કરીએ પણ તેમાં પુરતી સાવધાની નહિ રાખવામાં આવે તો છેતરપીંડી થવાની પૂરી શક્યતાઓ આ ઘટના પરથી લાગી રહી છે.