Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી આવીને રહેતા બાંગ્લાદેશી શખ્સને સ્થાનિક પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. આ યુવાન પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી કરી અને ગઢકા ગામની સીમમાં સ્થાયી થઈને રહેતો હોવાનું જાહેર થયું છે.કલ્યાણપુરથી આશરે બાર કિલોમીટર દૂર આવેલા જામગઢકા ગામની સીમ વિસ્તારના ખેતરના શેઢે આવીને છેલ્લા આશરે અઢી માસના સમયગાળાથી એક અજાણ્યો શખ્શ રહેતો હોવાનું સ્થાનિક પોલીસના ધ્યાને આવ્યું હતું.
આથી આ સ્થળે પોલીસે જઈને તેની પૂછપરછ કરતા આ યુવાન બાંગ્લાદેશના ઢાકા વિસ્તારનો અને મૂળ બાંગ્લાદેશના ગાયબંદા જિલ્લાના બામૂડ ડાંગા પોલીસ મથકના વિસ્તારનો રહેવાસી એવો શાહજનમિયા ઉર્ફે મહંમદ સમ્રાટ અબ્દુલ મજીદ નામનો 25 વર્ષનો યુવાન હોવાનું જાહેર કર્યું હતું, આ બાંગ્લાદેશી શખ્સ કોઈપણ રીતે ભારતમાં ગેરકાયદેસર રીતે આવી, આધાર પુરાવા, પાસપોર્ટ કે વિઝા વગર ઘુસણખોરી કરી, અહીં રહીને છૂટક મજૂરીકામ કરતો હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બાંગ્લાદેશી શાહજનમિયા ઉર્ફે મહંમદ સમ્રાટ સામે ફોરેનર્સ એક્ટ કલમ 14(એ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, ખાટલે મોટી ખોટ તો એ છે કે એક બાંગ્લાદેશી હજારો કી. મી પાસપોર્ટ, વિઝા વિના દેશ ના કોઈપણ ખૂણે આરામ થી ફરી રહ્યા છે .ક્યાં ને શું ચેકીંગ થતું હશે તે એક વિચાર કરતો પ્રશ્ન છે.