Mysamachar.in-જામનગર:
જામનગર નજીક ખીજડીયા પાટીયા પાસે પંચ-એ પોલીસે બાઇક અને રીક્ષાની રેસ લગાવીને હારજીતનો જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી પાડી રોકડ ઉપરાંત ૬ બાઇક,૧ રીક્ષા અને ૮ મોબાઇલ સહિત રૂ.૧.૬૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે એક રીક્ષાચાલક નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે,ફલ્લાથી ખીજડીયા હાઇવે પર આ જુગારની રેસ લાગતી હતી,
જામનગર પંચકોષી-એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સટેબલ યશપાલસિંહ જાડેજા,જીજ્ઞેશભાઇ વાળા સહીતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો,જે દરમિયાન પોલીસ ટિમને ખીજડીયા બાયપાસથી હાઇવે રોડ પર રીક્ષા અને મોટરસાઇકલ વચ્ચે રેસ લગાવી રોકડ રકમની હાર જીત કરીને અમુક રીક્ષા અને બાઇકસવાર શખ્સો જુગાર રમી રહયા હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસ ટીમે ત્વરીત ખીજડીયા પાટીયા પાસે દોડી જઇ વોચ ગોઠવી હતી.
જે દરમિયાન જુદા જુદા બાઇક અને રીક્ષામાં સવાર દશેક શખ્સો જુગાર રમતા નજરે પડયા હતા,પોલીસે ધવલ સુભાષભાઇ મહેતા,મનીષ રમેશભાઇ ડાભી,ચમન કાનજીભાઇ સરવૈયા,સચીન સામજીભાઇ મકવાણા,સંતોષ બાબુભાઇ લુણાસરીયા,કાનજી નાથાભાઇ લુણાસરીયા,દિપક ભરતભાઇ પરમાર,ફૈઝલ રજાકભાઇ સરઘસીયા અને ચિરાગ છગનભાઇ દોણાસીયાને પકડી પાડી તેના કબજામાંથી રૂ.૧૧,૭૯૫ની રોકડ ઉપરાંત ૬ મોટરસાઇકલ,૧ રીક્ષા અને ૮ મોબાઇલ ફોન સહીત રૂ.૧,૬૩,૭૯૫નો મુદામાલ કબજે કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડા દરમિયાન હુશેન નામનો એક રીક્ષાચાલક નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.આ તમામ શખ્સો ફલ્લાથી ખીજડીયા બાયપાસ સુધીના હાઇવે રોડ પર રીક્ષા અને મોટરસાઇકલથી રેસ લગાવીને હારજીતના દાવ ખેલતા હોવાનુ સામે આવ્યું છે,