Mysamachar.in-જુનાગઢ:
સોશ્યલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં છેતરપીંડી તેમજ યુવકોને ફસાવાના સહિતના અનેક કિસ્સાઓ દ્વારા સાઇબર ક્રાઇમમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે,અને ફેસબુકના વધુ પડતા ઉપયોગ સામે સાવચેતી ન રાખવાના કારણે અનેક લોકો શિકાર બની રહ્યા છે,

ત્યારે રાજકોટની યુવતી દ્વારા જામનગરના તબીબનું બોગસ ફેસબુક ID બનાવીને ત્રાસ આપ્યાનો કિસ્સો તાજો છે,તેવામાં રાજકોટના શિક્ષકને ફેસબુકના માધ્યમથી વાતચીતમાં એક યુવતીએ ગરીબ બાળકોને અભ્યાસ કરાવે છે,તેમાં મદદરૂપ થવાનું જણાવીને પોતાના ઘરે બોલાવ્યા બાદ આ શિક્ષકને ફસાવીને લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે,

મળતા અહેવાલ મુજબ રાજકોટમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા રાજેશભાઈ ફેસબુકના માધ્યમથી મિત્રો સાથે તેમજ અન્ય લોકો સાથે શિક્ષણને લગતી બાબતો અંગે મેસેજ દ્વારા અવારનવાર ચર્ચા કરતાં હોય તેવામાં જૂનાગઢની યુવતીએ પોતાની ઓળખ એન્જલ તરીકે આપીને પોતે પણ ગરીબ બાળકોને અભ્યાસ કરાવે છે,

તેવી ફેસબુક મેસેજમાં ચર્ચા કરીને શિક્ષક રાજેશભાઈને જણાવ્યુ હતું કે તમારી પાસે શિક્ષણને લગતું સાહિત્ય હોય તો આપજો, આથી રાજેશભાઈએ જણાવ્યુ હતું કે વેકેશન દરમ્યાન જુનાગઢ સાહિત્ય આપી જઈશ અને વેકેશન પડતા જ સબ્બુ ઉર્ફે એન્જલ પટેલે જુનાગઢ સાહિત્ય આપવાના બહાને બોલાવ્યા હતા,

રાજેશભાઈ જુનાગઢ ગયા બાદ આ યુવતીએ પોતાના ઘરે લઈ જઈ રૂમમાં બેસાડયા હતા,ત્યાં જ અજીત અને અજાણ્યા એક શખ્સ ત્યાં આવીને શિક્ષક રાજેશભાઈને ધમકાવીને “તું અહિયાં ખરાબ કામ કરવા આવ્યો છે”તેમ કહીને ખિસ્સામાંથી ૪૦૦૦ કાઢી લીધા બાદ શિક્ષકના ATMમાંથી પણ બળજબરીપૂર્વક ૨૦,૦૦૦ કાઢવી લઈને ૨૪,૦૦૦ જેટલી રકમ પડાવી લીધી હતી,બનાવ બાદ શિક્ષક રાજેશભાઈ પોતે ઠગ ટોળકીનો શિકાર બન્યા હોવાની જાણ થતા જુનાગઢ પોલીસમથકે દોડી જઈને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
