Mysamachar.in-સાબરકાંઠા:
તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે લોકો સાથે તાંત્રિક વિધિ કરવાના બહાને અને આવનાર વ્યક્તિને તેના દૂ:ખ દર્દ દૂર કરી અને નસીબમાં ધન હોવાની લાલચ આપીને એક ઢોંગી તાંત્રિકે ૧ કરોડ જેટલી રકમ કટકે-કટકે પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાયાનું સામે આવ્યું હતું,
ત્યારે એકના ડબલ કરવાની લાલચમાં સાબરકાંઠાના યુવકે ૧૧ લાખ જેટલી રકમ ગુમાવી હોવાનું સામે આવ્યું છે, સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ડુંગરી ગામના પટેલ નિમેશભાઈને ગોપાલભાઈ વણકર જોડે મિત્રતા થઇ હતી. ત્યારબાદ ગોપાલભાઈએ નિમેશભાઈને વિશ્વાસમા લઇ કહ્યું કે મારે વડનગર તાલુકામાં એક એવા વ્યક્તિ જોડે મિત્રતા છે જે લોકોના એકના અઢી ઘણા રૂપિયા બનાવી આપે છે. તું ૧૨ લાખ આપીશ તો તને ૩૦ લાખ બનાવી આપશે. આ વાતમાં નિમેશભાઈ આવી ગયા હતા. નિમેશભાઈનું આ ભોળપણ તેમને સાડા અગિયાર લાખમાં પડ્યું છે. ડબલ કરવાની લાલચમાં નિમેશભાઈને લાખોનો ચૂનો લાગી ગયો છે.
એકના ડબલની વાતમાં આવી જઇને નિમેશભાઈ વડનગર જઈ ઠાકોર પીયૂષભાઈ અને ઠાકોર નિકુલભાઈ નામના બે વ્યક્તિને પહેલા 5 લાખ 51 હજાર આપ્યા હતા. ત્યારબાદ બીજીવાર ૬ લાખ આપી આવ્યા પછી પૈસા લેવા વડનગર બોલાવ્યા હતા. ત્યાં નિમેષભાઈને વડનગરના અલગ-અલગ જગ્યાએ બોલાવ્યા પછી ગાડીમા એક બોક્સ આપ્યું હતું, જેમો ચાર બંડલ હતા અને ચારે બંડલ ઉપર ૧૦૦ની નોટો હતી.
નિમેશભાઈએ જ્યારે ઘરે આવી જોયું તો માત્ર ઉપરની નોટ અસલ હતી.નીચે કોરા કાગળ હતા.ત્યારબાદ નિમેશભાઈને છેતરાયા હોવાની ખબર પડી હતી. નિમેશભાઈએ છેતરાયા બાદ જે તે વ્યક્તિને વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતુ કોઇ જવાબ ના મળતા અંતે નિમેશભાઈ પોલીસ સ્ટેશનમાં એકના ડબલની લાલચમા છેતરાયા હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે જાદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.